ભુજ નરનારાયણદેવ મંદિર કન્યા કેળવણી વિદ્યાલયમાં બેટી પઢાવોના સૂત્રને પ્રોત્સાહન આપતાં શાળા ખાતે અનેક સવલતો ઊભી કરવાની ઘોષણા થઈ હતી. આ જાહેરાતમાં માંડવી-પિયાવા ખાતે છાત્રાલય, શાળા, ભોજનાલય અને પ્રાર્થનાકક્ષ સહિતના સવા લાખ ચો. ફૂટ બાંધકામનો શિલાન્યાસ પહેલી મેએ સંપન્ન થયો હતો. રૂ. ૨૦ કરોડના ખર્ચે બંધાનાર સંકુલ માટે સ્થળ પર જ પાંચથી છ કરોડ રૂપિયા જેટલી રકમ જાહેર થઇ હતી. આ પ્રસંગે તેજેન્દ્ર મહારાજ સ્વામીએ ઓછી ફીએ શિક્ષણ આપવા મહત્ત્વની જાહેરાત પણ કરી હતી.
• દેશલપર (કંઠી)માં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણઃ રાજ્યપ્રધાન તારાચંદભાઈ છેડાએ ૧લી મેના રોજ ગુજરાત ગૌરવદિને મુંદ્રા તાલુકાના દેશલપર (કંઠી) ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણ તેમજ મા માડી સુધીના રૂ. ૧.૭૩ કરોડના ખર્ચવાળા સિમેન્ટ તેમજ ડામર રસ્તાનું ખાતમૂહુર્ત કર્યું હતું.
• દબાણ ઝુંબેશમાં સ્થાનિક મહિલાનો આત્મ વિલોપનનો પ્રયાસઃ ડીસા નગરપાલિકા દ્વારા શહેરના ગરીબ પરિવારો માટે મુખ્ય પ્રધાન આવાસ યોજના હેઠળ શહેરના નહેરુ નગર ટેકરા વિસ્તારમાં આવાસો બનાવવાની કામગીરી ચાલે છે. દબાણકારોના દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન એક સ્થાનિક મહિલાએ શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ બન્યું હતું અને મામલો ઉગ્ર બનતા પાલિકાને આ દબાણ ઝુંબેશ બંધ કરવાની ફરજ પડી હતી.
• ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને રોજગારી આપવી સમયની માગઃ લખપત તાલુકાના નરા ગામના વતની અને હાલ મુંબઈ વસતા ચંદન પરિવારના અશ્વિનભાઈ ચંદનના આર્થિક સહયોગથી ગ્રામીણ મહિલાઓના વિકાસ અર્થે વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને તેના વિવિધ પ્રકારના મહિલા તાલીમ કાર્યક્રમમાં ઉપયોગી બને તેવા ૩૦ સિલાઈ મશીનો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે અશ્વિનભાઈએ કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને રોજગારી પૂરી પાડવાથી કુટુંબ અને સમાજ ઊંચો આવે છે તેથી જ મહિલાઓને રોજગારી આપવી એ હવે સમયની માગ છે.