ભૂજ: શહેરના જાણીતા સામાજિક કાર્યકર અને સેવાભાવી પરેશ નરોત્તમભાઈ અનમે (45) ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભુજમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિ હોય, ધાર્મિક આયોજનો હોય કે ટેબલ ટેનિસની રમત સહિતની સ્પોર્ટ્સની પ્રવૃતિ હોય પરેશ અનમ હમેશા અગ્રેસર રહેતા હતા. પરેશભાઈએ ભુજની પોશ આનંદ કોલોનીમાં પોતાના બંગલાના પ્રથમ માળે ગયા શુક્રવારે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે, આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પરેશ અનમનો પરિવાર ફાઇનાન્સ, જમીનના વ્યવસાય સાથે સંક્ળાયેલો છે. ભૂકંપ પૂર્વે ચાલતી તેમની અનમ હોટલ ખૂબ જ પ્રખ્યાત હતી. 45 વર્ષીય પરેશભાઈ અનમ ટેબલ ટેનિસની રમત માટે ખૂબ જ સક્રિય હતા. તેઓ ભુજમાં અનેક ટુર્નામેન્ટ આયોજિત કરી ચૂક્યા હતા. આ ઉપરાંત ભુજમાં ચાલતી રામરોટી છાશ કેન્દ્રની પ્રવૃત્તિના ધરોહર હતા. મફત દવાઓ માટે અને આરોગ્ય સારવાર માટે
લોકોને મદદરૂપ બનતા હતા. ગરીબ બાળકો માટે શિક્ષણ કેન્દ્ર ચલાવતા હતા.