ભુજ: છેલ્લા ૧ર વર્ષથી ચિત્ર કલાકારીગરી સાથે સંકળાયેલા ભુજના યુવાને ૧૦ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ ઊંચાઈનો ૮૦ સ્ક્વેર ફૂટનો વડા પ્રધાન મોદીનો સ્કેચ તૈયાર કરવાની પાંચ માસની અથાગ મહેનત અંતે રંગ લાવી છે. નરેન્દ્ર મોદીને મળવાની તમન્નામાં તૈયાર કરેલું અદભુત સ્કેચ કચ્છના સાંસદના માધ્યમથી વડા પ્રધાન સુધી પહોંચતાં, તેને નિહાળીને નરેન્દ્ર મોદી ફિદા થઈ ગયા હતા અને ભુજના ચિત્રકારને તાજેતરમાં વહેલી સવારે જ ખુદ વડા પ્રધાને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
માધાપરમાં રહેતા અને પેઈન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ૩ર વર્ષીય યુવાન મનોજ બાબુભાઈ સોનીને તાજેતરમાં રાત્રે નવ વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો. મનોજે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે, ખુદ વડા પ્રધાન તેને મોબાઈલ પર ફોન કરશે. વડા પ્રધાન કાર્યાલય, દિલ્હીથી ફોન આવ્યા બાદ હલ્લો કરતાની સાથે જ સામેથી અવાજ આવ્યો કે, વડા પ્રધાન મોદી આપની સાથે વાત કરવા માગે છે. તે સાંભળતા જ મનોજ ભાવુક થઈ ગયો હતો. તેમણે વર્ષોથી સેવેલું સપનું સાકાર થતું દેખાયું હતું.
આ અંગે મનોજે જણાવ્યું હતું કે, વ્યક્તિ વિશેષમાં મોદી મારા ફેવરિટ રહ્યા છે અને પોતે કલાના કદરદાન છે. મોદીને મળવું એ મારું સ્વપ્ન હતું. મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન
હતા ત્યારે અનેક વાર તેમણે કચ્છ મુલાકાત દરમિયાન રણોત્સવ સમયે જોયા છે અને તે ઘણાં જ લોકપ્રિય છે તેથી મેં તેમનો સ્કેચ દોરવાનું
પસંદ કર્યું.