ભુજઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભુજ ખાતે તાજેતરમાં સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ અને મેમોરિયલ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ સ્મૃતિવનની મુલાકાત માટે પ્રવેશ ફી 20 અને અર્થકવેક મ્યુઝિયમ માટે 300 નિર્ધારિત કરવામાં આવ્યા છે. જોકે આ ચાર્જમાં અમુક સમય સુધી કન્સેશન બાબતે જાહેરાત હવે થશે. મોર્નિંગ વોકર્સ અને જોગર્સ માટે સવારે 5.00 વાગ્યાથી 9.00 વાગ્યા સુધી નિ:શુલ્ક પ્રવેશ રહેશે.
અન્ય મુલાકાતીઓ માટે નિયમોનુસાર નકકી થયેલ પાર્કીંગ અને પ્રવેશ શુલ્ક ચુકવવાના રહેશે. મુલાકાતીઓ માટે ઉનાળાની ઋતુમાં 16 માર્ચથી 15 સપ્ટેમ્બર સુધી સવારે 10.00 વાગ્યાથી જ્યારે બપોરે 2.00 વાગ્યા સુધી તેમજ સાંજે 4.00 થી 8.00 વાગ્યા સુધી અને શિયાળાની ઋતુમાં 16 સપ્ટેમ્બરથી 15 માર્ચ સુધી સવારે 10 વાગ્યાથી સાંજે 6.00 કલાક સુધી મ્યુઝિયમ ખુલ્લુ રહેશે તેમ જાણવા મળે છે.