ભુજ: ભુજ સ્વામીનારાયણ મંદિરે છેલ્લા પાંચ વર્ષથી નીકળતી રથયાત્રામાં મિની જગન્નાથપુરી જેવા રથ અને ફ્લોટસ ભારે આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. ચાલુ વર્ષે સાત ફ્લોટસ સાથે નીકળેલી શોભાયાત્રા અડધો કિ.મી. લાંબી હતી અને ભાવિકોના ધાર્મિક ઉત્સાહથી તરબતર હતી. ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતની પ્રેરણાથી યોજાયેલા આ ઉત્સવ માટે પ્રસાદી મંદિરે રથ સહિતની તૈયારી કરી હતી.
તેના મહંત પુરાણી દેવકૃષ્ણદાસજી સ્વામી, વરિષ્ઠ સંત શ્રીહરિ સ્વામી, શાસ્ત્રી ભક્તિપ્રિય સ્વામી, નીલકંઠચરણદાસજી સ્વામી આદિ મંડળે રથયાત્રાની સરાહનીય જહેમત ઉઠાવી હતી. મહાદેવ ગેટથી રાજ્ય પ્રધાન વાસણભાઇ આહીર, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે સંતો સાથે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વાણિયાવાડ થઇ જ્યુબિલી સર્કલ, કલેક્ટર ઓફિસ સુધી વચ્ચે કચ્છી લેવા પટેલ સમાજ, જિલ્લા પોલીસવડા એમ. એસ. ભરાડા, નાયબ વડા ડી. એન. પટેલ, જેસ્વાલ, પાંચાલ, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આલ, એસ.ઓ.જી.ના ખૂંટ સહિતનાએ યાત્રાને વધાવી હતી. ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યે સાંખ્યયોગી મહંત અને હરિભક્ત બહેનોને યાત્રા-ઉત્સવની શુભેચ્છા આપી હતી.