માંડવી: બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ૪૫મા વિવિધ રોગ નિદાન સારવાર શિબિરોનો પાંચમીએ પ્રમુખ દાતા ડો. શાંતિલાલ કેનિયા પરિવારની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ થયો હતો. પૂર્વ રાજ્ય પ્રધાન તારાચંદભાઇ છેડાની હાજરીમાં દાતા નિમિતા કિશોર શાહ (નાગલપર)ના દાન વડે નેણામા વૈયાવચ્છ સંકુલનું ખાતમુહૂર્ત પણ પાંચમીએ સંપન્ન થયું હતું.
આ અવસરે આગામી પાંચ વર્ષ માટે પ્રત્યેક કેમ્પના રૂ. ૩૧ લાખના પ્રમુખ દાતાઓની જાહેરાત કરાઇ હતી. સમારોહમાં નડિયાદની મૂળજીભાઇ યુરોલોજીકલ ઇન્સ્ટિટયૂટનું સબયુનિટ ભુજમાં કાર્યરત કરવાની વિચારણા હાથ ધરાઇ હતી.
આશરે સાડાચાર દાયકાઓથી નિરંતર આ આરોગ્ય કેમ્પ ચાલે છે. અમેરિકા સ્થિત ડો. શાંતિલાલ કેનિયા (વડાલા) પરિવારે ડો. રૂક્ષમણી શાંતિલાલ કેનિયાની સ્મૃતિમાં પ્રમુખ દાન આપ્યું હતું. રતનવીર નેચરક્યોર ઇન્સ્ટિટયૂટના દાતા મૂલચંદભાઇ લખમશી સાવલાએ પ્રમુખપદેથી અમેરિકાવાસી ડો. શાંતિલાલ કેનિયા પરિવારના દાનને બિરદાવ્યું હતું.
આ અવસરે આરોગ્ય સાધના અર્થે અમેરિકામાં કાર્યરત બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા એકત્રિત રૂ. ૧ કરોડ ૧૧ લાખ ૧૧ હજાર એકસો અગિયારનો ચેક મોવડીઓના હાથે સંસ્થાના ચેરમેન વિજયભાઇ છેડાને અર્પણ કરાયો હતો.
બે દાયકાની સમર્પિત સેવાઓ બદલ ડો. શૈલેન્દ્ર ચતુર્વેદી, હરિશ્ચંદ્ર કુબલ, કેસરબાઇ શામજી સંઘાર, ધનેશ્વર નથુભાઇ મહેશ્વરી, રસિકલાલ કાંતિલાલ રાજગોરનું રૂ. ૨૧
હજારના પુરસ્કાર વડે બહુમાન કરાયું હતું.