ભુજઃ કચ્છમાં આરોગ્ય સેવા ક્ષેત્રે રહેલી મુશ્કેલી નિવારવા કચ્છી લેવા પટેલ છેલ્લા દસ વર્ષથી પ્રયત્નશીલ છે. ભુજમાં દસ વર્ષથી કાર્યરત લેવા પટેલ હોસ્પિટલની રાહતદરની સેવાનો લાભ વર્ષે ૩ લાખ લોકો લઈ રહ્યા છે. કચ્છમાં હૃદયરોગ, કિડનીની બીમારી, કેન્સર તેમજ આયુર્વેદિક સારવાર સુયોગ્ય રીતે ઉપલબ્ધ બને તે માટે હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ હોસ્પિટલના નિર્માણ માટેના મુખ્ય દાતા કે. કે. પટેલના ૯મી ડિસેમ્બરે આ પ્રોજેક્ટ માટે ભૂમિ પૂજન થયું હતું. આ કાર્યક્રમમાં પત્રકાર વસંત પટેલે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ભુજમાં બની રહેલી સુપર સ્પેશ્યાલવિટી હોસ્પિટલની રૂપરેખા આપીને કચ્છી પટેલ સમાજના દાતાઓના વતનપ્રેમની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલનું ખાસ કણબી પાઘ દ્વારા સન્માન કરાયું હતું. ઉપસ્થિત જન સમુદાયને સંબોધન કરતાં મુખ્ય પ્રધાને આરોગ્ય સેવાનું સરકારનું કામ કરવા બદલ કચ્છી લેવા પટેલ સમાજને અભિનંદન આપીને એનઆરઆઈ દાતાઓ, કચ્છના દાતાઓ, સંતોની પ્રેરણા સાથે થઈ રહેલા માનવસેવાના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ હેલ્થ પોલીસી થકી લોકો માટે આરોગ્ય સેવા વધુ સારી બની હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત સંસ્થા દ્વારા બનતી આવી હોસ્પિટલ માટે જરૂરી સાધનો, મશીનરી વગેરેમાં રાજ્ય સરકાર દ્વારા ૨૫ ટકાની મદદ કરાતી હોવાનું જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ગુજરાતમાં વર્તમાન સમયમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે કોલેજની સંખ્યા વધીને ૨૯ થઈ છે અને વર્ષે ૫૫૦૦ જેટલા નવા તબીબો ઉત્તીર્ણ થતાં તબીબી ક્ષેત્રે લોકો માટે પણ આરોગ્ય સેવા વધુ સુલભ બની રહી છે. સંપૂર્ણ મફત આરોગ્ય સેવા આપતી હોસ્પિટલ માટે રાજ્ય સરકાર રિકરિંગ તરીકે વાર્ષિક નાણાકીય સહાય કરતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંતશ્રી ધર્મનંદનસ્વામી, પાર્ષદશ્રી જાદવજી ભગત, ખોડલધામના નરેશ પટેલ, રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, રાજય પ્રધાન વાસણ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબહેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબહેન મહેશ્વરી, સંતોકબહેન પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, હંસરાજભાઈ ગજેરા, દિલીપ ત્રિવેદી, મુકેશ ઝવેરી, કચ્છી લેવા પટેલ સમાજના આગેવાનો
કે. કે. પટેલ, નિતેશ વેકરિયા, મૂળજીભાઈ પિંડોરીયા, ગોપાલભાઈ ગોરસિયા, ડો. જે. કે. દબાસિયા, પ્રવીણ પિંડોરીયા, શિવજીભાઈ છભાડિયા, અરવિંદ પિંડોરીયા, મૂળજીભાઈ શિયાણી, માવજી રાબડિયા ઉપરાંત આફ્રિકા, યુકે અને કચ્છના લેવા પટેલ સમાજના આગેવાનો, જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.