કચ્છનું નામ આવે એટલે 2001ના ભૂકંપની ભયાવહ યાદ હરકોઈની નજર સામે તરવી ઉઠે છે. જોકે આ જ વિનાશક ભૂકંપે કચ્છનો પુનઃ જન્મ કર્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. ભૂકંપની ખાનાખરાબી બાદ કચ્છી માડુંઓએ અભૂતપૂર્વ ખમીરના દર્શન કરાવ્યા અને કચ્છને ફરી બેઠું કરી દીધું. ભૂકંપની વિભીષિકા અને કચ્છના ખમીરને સ્મૃતિ વનમાં વિવિધ સ્વરૂપે કંડારાયું છે. આ સ્મૃતિ વનમાં ઉછેરાયેલા વૃક્ષોને ભૂકંપનો ભોગ બનેલા 12 હજારથી વધુ મૃતકોનું નામકરણ થયું છે.
ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં રૂ. 375 કરોડના ખર્ચે નિર્મિત સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ મ્યુઝિયમમાં પુનઃ નિર્માણ ઉપરાંત અન્ય વિવિધ ગેલેરીનું નિદર્શન કરી ઝીણવટભરી માહિતી મેળવી હતી.
તેમણે કહ્યું કે ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા તેમજ યુવાનોમાં ભુસ્તરવિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા થાય તે માટે આ મ્યુઝિયમનું નિર્માણ કરાયું છે. ખાસ કરીને રિયલ ટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યુઝિયમમાં ખાસ થિયેટરનું નિર્માણ કરાયું છે, જે વિશ્વના સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ પ્રકારના સંયોજનથી એક વિશેષ અનુભવ કરાવવામાં આવશે. આ ઉપરાંત ભૂકંપમાં ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા ટચ પેનલ પર ડિજિટલ મશાલ પ્રગટાવી શકાય અને તેનો પ્રકાશબીમ સમગ્ર ભુજમાં જોઈ શકાય તેવું આયોજન કરાયું છે.
મ્યુઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુનઃસંરચના, પુનઃપરિચય, પુનઃપ્રત્યાવર્તન, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃઆવૃત્તિ અને પુનઃસ્મરણ નામ અપાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ ભૂજિયો ડુંગર ભૂકંપની ભૂતાવળની વાત માંડશે એ એક વાર ચોક્કસ સાંભળવા ભુજની ભાગોળે આવવું રહ્યું.