ભૂકંપના કેન્દ્રબિંદુ ચોબારીનું પ્રવાસીઓને આકર્ષણઃ જે ગોઝારી ઘટનાથી અનેક લોકોના જીવન બદલાઈ ગયા એ ૨૦૦૧ના ધરતીકંપનું કેન્દ્રબિંદુ આજે પણ લોકોને પોતાની પાસે ખેંચી લાવે છે. કચ્છમાં ભચાઉ તાલુકાના ચોબારી ગામથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં નવ કિલોમીટર દૂર આવેલા એપી સેન્ટર પર હવે વિશ્વભરમાંથી કચ્છમાં પ્રવાસન માટે આવતા લોકો પણ પહોંચે છે. તેઓ આ જગ્યાને જુએ છે અને તેમાંથી તાગ મેળવવાનો પ્રયાસ કરે છે કે અહીં ખરેખર શું થયું હતું. ચોબારીના રામજીભાઈ કહે છે દર વરસે અનેક લોકો આવે છે જેમને ગાઈડ કરીએ છીએ.
કચ્છ સરહદે પાક. દ્વારા આતંકવાદી ટ્રેનિંગ કેમ્પની સ્થાપનાઃ કચ્છની નજીકના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લશ્કર-એ-તોયબા (એલઇટી) દ્વારા મીઠીમાં આતંકવાદીઓને તૈયાર કરવાનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો છે, જેથી ભારતીય સુરક્ષા દળો અને ઇન્ટેલીજન્સ એજન્સીઓ સતેજ થઇ છે. કારણ કે, લશ્કર દ્વારા માત્ર કાશ્મીરની સરહદે જ આતંકી કેમ્પ બનાવવામાં આવતા હતા. પશ્ચિમી ભારતને સ્પર્શતી સીમા ઉપર આવા ટ્રેનિંગ કેમ્પ બનાવવાની આ પ્રથમ ઘટના છે. માત્ર લશ્કર-એ-તોયબા નહીં, પરંતુ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલીજન્સ (આઇએસઆઇ)એ પણ મીઠીમાં ઉચ્ચ કક્ષાનું થાણુ સ્થાપ્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં પાકિસ્તાનની આર્મી અને આતંકવાદીઓ દ્વારા સિંધ પ્રાંતમાં થયેલી સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.