લખોંદ: વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ તો થયો જ છે સાથોસાથ સૂકુંભઠ્ઠ રણ પણ હરિયાળું બનવાનું શરૂ થઇ ગયું છે... આ તારણ છે ‘ઇસરો’ના નિવૃત વૈજ્ઞાનિક ડો. પી. એસ. ઠક્કરનું. તેમના તાજેતરના અભ્યાસના તારણ મુજબ સેટેલાઇટ ઈમેજના માધ્યમથી એ બાબત સામે આવી છે કે, રણમાં આશરે ૧૬૦૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર હરિયાળો બની ગયો છે.
કચ્છના નાના-મોટા રણમાં છેલ્લા ૪૦ વર્ષથી અભ્યાસ કરી રહેલા પી. એસ. ઠક્કરના જણાવ્યા પ્રમાણે, કચ્છની સરહદ નજીકનો રણ વિસ્તાર બેટ ઝોનથી ઓળખાય છે, ત્યાં હાલ અનેક પ્રકારના ઘાસ ઉગી ગયા છે. તો કેટલાય વૃક્ષ રણને હરિયાળું બનાવી રહ્યા છે. શક્તિબેટ, વિઘાકોટ, બેડિયાબેટ અને કંજરકોટ સહિતના વિસ્તારમાં ધર્મશાળાથી લઈને ઝીરો પોઇન્ટ અને હરામીનાળા સુધીમાં ઘાસ અને વૃક્ષોની રણમાં હાજરી જોવા મળી રહી છે. હવે તો બનાસકાંઠાના નડાબેટ નજીક સુધી આ પ્રકારનું ઘાસ જોવા મળી રહ્યા છે.
વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ રણની સપાટી ઉપર આવી છે. આ ઉપરાંત વિસ્તારમાં બોર્ડર રોડ નવા બની જતા આ વિસ્તારમાં પાકિસ્તાનના વરસાદ બાદ આવતો કાંપ રોકાઈ જાય છે. જે અહીંના ઘાસ કે છોડ માટે ચેકડેમનું કામ કરી રહ્યો છે. બીજી તરફ, રેતી કાઢવા માટે જે ખાડા બનાવાય છે, તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતા ઘાસ ઉગી રહ્યું છે. નાના-મોટા બેટ વિસ્તારમાં પીલુ, ખીજડા, બોરડી અને કેર સહિતના ઝાડ ઉગ્યા છે. ઉપગ્રહની તસવીરોના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.
હાલના સમયમાં ફિલ્ડ વિઝીટ કરતા દર અડધા કલાકે મળતી સેટેલાઇટ ઇમેજ કોઈ પણ વિસ્તાર પર ધ્યાન રાખવા મહત્વની સાબિત થઇ શકે તેમ છે અને ત્યાંના ભૌગોલિક ફેરફારો પર નોંધ રાખી શકાય તેમ છે.
શું ભાલ પ્રદેશ જેવો બદલાવ કચ્છમાં આવશે?
ભાલ પ્રદેશ કે જ્યાં હાલ અઢળક ઘઉં ઉગી રહ્યા છે, તે એક સમયે ખંભાત રણપ્રદેશથી ઓળખાતો હતો. ૧૮૬૬-૧૮૮૬ વચ્ચે અહીં ઘાસિયા મેદાનમાં બદલાવ આવ્યા છે. કંઇક આ પ્રકારના જ બદલાવ ભૂકંપના ૨૦ વર્ષ બાદ કચ્છના રણમાં નોંધાયા હોવાનું ડો. પી. એસ. ઠક્કરે ટાંક્યું હતું.
આ ઉપરાંત, કચ્છના મોટા રણમાં અરબસ્તાનની બે ઘાસની પ્રજાતિ ઉગતી હોવાનું આ સંશોધન દરમિયાન ધ્યાને આવ્યું છે. સંશોધક જયારે આ વિસ્તારમાં સંશોધન માટે જતા ત્યારે પાંચથી છ કિલો બીજ લઈ જતા અને રણમાં ફેંકી દેતા હતા જેથી ક્યારેક તો વૃક્ષો ઉગશે તેવી ડો. ઠક્કરને અપેક્ષા હતી.
આ ઘાસ થકી નીલગાય, ચિંકારા અને ઝરખ સહિતના વન્ય જીવોને આશરો મળી રહે છે. પક્ષીઓમાં વ્હાઇટ સ્ટોર્ક અને મેલાર્ડ સાથે શિકારી પક્ષીઓ પણ વધુ જોવા મળી રહ્યા છે.