માધાપરઃ રાજ્યપ્રધાન તારાચંદભાઇ છેડાએ તાજેતરમાં ભૂજ નજીકના માધાપરમાં વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ભૂજ અને માધાપરને આદર્શ જોડિયા શહેર તરીકે વિકસાવવાશે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યોજના હવે ટૂંક સમયમાં સાકાર થશે, આથી બંને નગરોનો વિકાસ થશે. બેનમૂન પર્યટનધામ તરીકે આકારરૂપ થઇ રહેલો ભૂજિયો આ યોજનામાં સેતુરૂપ બની રહેશે અને ટૂંક સમયમાં વડા પ્રધાનના હસ્તે તેનું લોકાર્પણ થશે તેવી જાહેરાત તારાચંદભાઇએ કરી હતી.
કચ્છના અખાતમાં શંકાસ્પદ જહાજ પકડાયુંઃ અરબી સમુદ્રમાં શારજાહથી સલાયા નીકળેલા એક શંકાસ્પદ જહાજને બાતમી પરથી કચ્છના અખાતમાં ભારતીય તટરક્ષક દળે વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ પેટ્રોલીંગ કરીને પણ તેને આંતરી લીધું હતું. નુકસાન પામેલા એ જહાજને સલાયા કાંઠે લાવવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. એ જહાજમાં રૂ. કરોડનો વિદેશી સિગારેટનો જથ્થો અને સેટેલાઈટ ફોન મળ્યાનું જાણવા મળે છે. ૧૮ જૂને જ ઓખા ખાતેના કોસ્ટ ગાર્ડને એવી બાતમી મળી હતી કે, શારજાહથી સફીના અલ મેરાજ જહાજ નીકળ્યું છે જે દાણચોરીનો માલ લઈને સલાયા કાંઠે પહોંચવાનું છે. જેને પગલે કોસ્ટ ગાર્ડના કચ્છના અખાતના એકમને એલર્ટ કરાયું હતું.
અબડાસામાં પંથકમાં ૧થી ૪ ઈંચ વરસાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણથી ગત સપ્તાહે અબડાસાના કાંઠાળ વિસ્તારના કેટલાક ગામોમાં દોઢથી ચાર ઇંચ, દુધઇ પંથકમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વાગડ પંથકના ભચાઉ-રાપર પંથકમાં પણ એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ચોમાસાના માહોલથી વીજપ્રપાતથી એક યુવાનનું મોત થયું હતું તો અન્ય એક દાઝ્યો હતો. દરમ્યાન અન્ય ઘટનામાં ૧૯ ઘેટાં-બકરાંના મોત થયા હતા.