ધોળાવીરાને વધુ જાણીતું કરવા રણમાં દોડ યોજાશેઃ કચ્છના ધોળાવીરા- પુરાતત્વ સાઈટને વધુ જાણીતી બનાવવા આ વર્ષે બીજી વખત અદિર બેટ ખાતે ૬થી ૯ ફેબ્રુઆરી દરમિયાન ૨૧, ૪૨, ૧૦૧ અને ૧૬૧ કિ.મી.ની ચાર ચાર દોડ યોજાશે. પ્રવાસન પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ‘રન ધ રણ’ના નામે અપહિલ ઈન્વેસ્ટ મીડિયા ગ્રૂપ દ્વારા આ સ્પર્ધા યોજાશે. ગયા વર્ષની દોડમાં ૧૪ દેશોના કુલ ૧૦૮ દોડવીરોએ ભાગ લીધો હતો. જયારે આ વખતે ૧૫ દેશોના ૧૨૫ દોડવીરો ભાગ લેશે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ ખાનગી આયોજનમાંથી ગુજરાત સરકારને કોઈ નાણાકીય લાભ થવાનો નથી, પરંતુ ધોળાવીરા સાઈટ વધુ જાણીતી બનશે, જે રોયલ્ટી બની રહેશે.
કચ્છના ચિત્રકાર ગૌરવ પુરસ્કાર જાહેરઃ ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ માટેના ગૌરવ પુરસ્કારની ગત સપ્તાહે જાહેરાત થઇ છે. જેમાં કચ્છના ચિત્રકાર નવીન સોની સહિત કુલ નવ કલાકારોને ગૌરવ પુરષ્કાર એનાયત કરાયા છે.