ભૂજ નગરપાલિકાનું નવું સીમાંકન ગત સપ્તાહે જાહેર થયું છે. જેમાં ભાજપે પોતાની નબળી બેઠકો બચાવવાની સાથે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડને વિભાજિત કરી પોતાને લાભ થઇ રહ્યો હોવાની છાપ ઉપસી છે. રાજકીય બાદબાકીના સમીકરણમાં પોતાને મોટું નુકસાન થશે તેવું કોંગ્રેસના લાગતા જ નવા સીમાંકનનો વિરોધ શરૂ કર્યો છે. આ મુદ્દે કલેકટર સહિતના જવાબદાર અધિકારીઓ પાસે વિરોધ વ્યકત કરવા તેમનો ઇરાદો છે. ભૂજના રાજકારણના અઠંગ ખેલાડીઓ આ નવા સીમાંકનની અસરોના વિશ્લેષણ કરી રહ્યા છે.
કચ્છમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપઃ દુધઈ પાસે ૩૧ મેએ વહેલી સવારે ૩.૩ની તીવ્રતાનો આંચકો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. કચ્છના પૂર્વ વિસ્તારમાં વારંવાર હળવા ભૂકંપ આવતા રહે છે જે પૈકીના કેટલાકનો અનુભવ પણ થતો નથી. ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈનમાં સૌથી વધુ ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. જેમાં ૨૮ મે પછી સાત જેટલા ભૂકંપના આંચકા નોંધાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી ૧૭ કિ.મી.ના અંતરે હોવાનું સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા જણાવાયું છે.