ભૂજઃ ભૂજ શહેરના માધાપર તરફના રોડ ઉપર આવેલા શ્રીજીનગર (NRI) કોલોની ખાતે ગત સપ્તાહે રાત્રે એકસાથે ત્રણ મકાનમાં ચોર ત્રાટક્તા રહેવાસીઓ ભયભીત બન્યા છે. આ ત્રણેય મકાનના માલિકો મુંબઇ, લંડન અને મોમ્બાસા વસતા હોવાથી શું ચોરાયું તે હજુ સ્પષ્ટ થયું નથી. એન.આર.આઇ. નગરના પ્રવેશદ્વાર પાસે જ આવેલા બંગલા નંબર ૨,૩ અને ૪ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. બારીના કાચ તોડી થયેલી જગ્યામાંથી ઘરની અંદર ઘૂસી તેના દ્વારા દરવાજો અંદરથી ખોલાવી ત્રણેય જગ્યાએ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. ચોરીની આ ઘટના વિશે સોસાયટીના પ્રમુખ કર્નલ એમ.એસ. જોહરે જિલ્લા પોલીસ અધિક્ષકને વાકેફ કરતાં પોલીસ દોડી આવી હતી. ભૂજ-માધાપર હાઇવે ઉપર આવેલી આ કોલોની નજીક મોટી સંખ્યામાં ભુજિયાના કામમાં રોકાયેલા પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે તેવા સમયમાં કેસની સર્વગ્રાહી તપાસ પોલીસ કરે તથા રાત્રે પેટ્રોલિંગ સઘન બનાવામાં આવે તેવી રહેવાસીઓએ માગણી કરી હતી.