ભૂજઃ વિદેશવાસી ગુજરાતીઓ વતનમાં સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાજબી માગ સરકાર સમક્ષ કરી રહ્યા છે. કેરળ જેવા નાના રાજ્યમાં જો પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય હોય તો બૃહદ કચ્છની વસતિની દૃષ્ટિએ ભૂજને પણ આવું સુવિધાયુક્ત હવાઇમથક મળવું જોઇએ તેવી માગ મસ્તક ગુજરાતી સમાજે મુખ્ય પ્રધાનને કરી છે.
આ રજૂઆત છેલ્લા બે દાયકાથી કરનારા કચ્છી અગ્રણી ચંદ્રકાંતભાઈ ચોથાણી તાજેતરમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને ગાંધીનગરમાં મળીને મસ્કત ગુજરાતી સમાજ વતી કચ્છને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવા રજૂઆત કરી હતી. આ અંગે તેમણે કચ્છ જેટલી જ બૃહદ વસતિ લંડન, મસ્કત, ભૂજ, અમદાવાદ કે મુંબઈના જોડાણવાળી ફ્લાઇટ શરૂ કરાવવા રજૂઆત કરી હતી. ચંદ્રકાંતભાઈના જણાવ્યાનુસાર આનંદીબહેને કેન્દ્રમાં રજૂઆત કરશે તેવી ખાતરી આપી હતી.
કેન્દ્રમાં વડા પ્રધાનપદે સવાયા કચ્છી નરેન્દ્રભાઈ મોદી છે ત્યારે ભૂજની રજૂઆત ગ્રાહ્ય રહેશે તેવો આશાવાદ દર્શાવતાં આવેદનપત્રમાં સરહદી જિલ્લામાં વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ આવી સગવડની જરૂરિયાત દર્શાવી છે. કચ્છી દાતા કનક શેઠ, અનિલ શેઠે પણ આ વાતની હિમાયત કરી હતી.