ભૂજઃ અહીં ગત સપ્તાહે ત્રણ દિવસીય વાયબ્રન્ટ કચ્છ એક્સ્પો એન્ડ સમિટનું આયોજન થયું હતું, જેનું ઉદ્ધાટન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી વ્યાપાર-ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે કચ્છને મળેલી અનેક તકના કારણે એક સમયે પછાત ગણાતો આ જિલ્લો વિશ્વના નકશા પર કદાચ દેશનો પ્રથમ વાયબ્રન્ટ જિલ્લો હશે. મુખ્ય પ્રધાને કચ્છ પ્રત્યેની અગાઉની વાસ્તવિકતા રજૂ કરતાં જણાવ્યું કે સરકારી તંત્રમાં કોઇ અધિકારી, કર્મચારીને જો સજામાં બદલી કરવી હોય તો કચ્છમાં મોકલવામાં આવતા, આજે સમય બદલાયો છે અધિકારીઓ કચ્છ આવવા લાઇનમાં ઊભા હોય છે. આ પાણીદાર કચ્છ જિલ્લાનું કલેવર પણ બદલાયું છે. વાયબ્રન્ટ કચ્છનું આયોજન કરીને કચ્છ ચેમ્બરની ટીમ અને તેના પ્રમુખ રાજેશ ભટ્ટને બિરદાવતાં આનંદીબેન પટેલે કહ્યું કે સમાજ માટે-પોતાના વતન માટે જેમણે કંઇક કર્યું એવી સેવા કરનારી વ્યક્તિઓને પુરસ્કાર આપવામાં આવ્યા છે તે પ્રશંસનીય છે.