નિરોણા: કચ્છમાં સૂકા દુષ્કાળની સ્થિતિમાં ઘાસચારાના અભાવે પશુપાલન મુશ્કેલ બન્યું છે અને વરસાદની અછતમાં ખેતીવાડી પણ નબળી છે. આવી સ્થિતિમાં મધ ઉત્પાદન ઉપર પણ ભારે ફટકો પડયો છે. સમગ્ર રાજ્યમાં ૯૦ ટકા મધ પૂરું પાડતાં આ સરહદી જિલ્લામાં ચાલુ વર્ષે નિગમ પાસે એક ટીપું પણ મધ એકત્ર ન થતાં જિલ્લા મુખ્ય મથક સ્થિત વન વિકાસ નિગમ પણ આશ્ચર્યમાં છે.
સરહદી કચ્છમાં કુદરતી ખોળે ઉછરતી એપીસ ફ્લોરિયા નામની મધમાખીથી મધનું ઉત્પાદન થાય છે. જિલ્લા વનવિકાસ નિગમ લિ. દ્વારા દર વર્ષે આ મધમાખીની જાત દ્વારા એક હજાર ક્વિન્ટલ મધનું ઉત્પાદન કરવામાં આવે છે. મધ ઉત્પાદનક્ષેત્રે બન્ની અને પાવરપટ્ટી વિસ્તાર ભારે પ્રખ્યાત છે, પરંતુ ચાલુ વર્ષે આ વિસ્તાર જ નહીં સમગ્ર કચ્છમાંથી એક પણ ટીપું મધનું વન વિકાસ નિગમના ગોડાઉનમાં ન પહોંચતાં મધ ઉત્પાદનમાં ભારે ફટકો પડ્યો છે. વનવિકાસ નિગમ પણ આ બાબતને લઈ ભારે ચિંતિત છે. મધ ઉત્પાદન કરતા લોકો કહે છે કે હોળીના તહેવાર બાદ ૧૮મી માર્ચથી લઈ ૨૦મી એપ્રિલ સુધી મધ ઉત્પાદનનો મુખ્ય સમયગાળો ગણવામાં આવે છે. ચાલુ વર્ષે આ ગાળો પૂરો થયા છતાં વનવિકાસ નિગમ પાસે એક કિલો પણ મધ પહોંચ્યું નથી.