ભુજઃ ભચાઉના માંડવી વાસમાં જૈન સાધ્વીજીને લૂંટવાના ઈરાદે સાતમીએ તેમના પર હુમલો કરાયો હતો. બાઈક ઉપર આવેલા ત્રણ જણાએ ચીલઝડપના ઈરાદે સાધ્વી પર હુમલો કર્યો હતો, પરંતુ સાધ્વીજીના ગળામાં દાગીના ન હોવાથી હુમલાખોરો હુમલા બાદ ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનાથી જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી.
ભચાઉ સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં જાણ કરવામાં આવી છે કે હાલ તેઓના જૈન ઉપાશ્રયમાં સાધ્વી મહારાજ ચાર્તુમાસ અર્થે બિરાજમાન છે. સાધ્વી મહારાજ નમસ્કૃતિ કુમારી આચાર્યજી રવિવારે જૈન લોકોના ઘરેથી ગૌચરી ઉપાશ્રયમાં થઈ રહ્યા હતા. ત્યારે સાંજે ૫.૩૦ વાગ્યે આ બનાવ બન્યો હતો. બાઈક ઉપર ત્રણ જણા ધસી આવ્યા હતા. અને મહાસતીજીના ગળા ઉપર ધારદાર હાથિયાર દ્વારા હુમલો કર્યો હતો. મહાસતીજીના ગળા ઉપર ત્રણેક ઘા પડ્યા હતા. જોકે જૈન ધર્મના-સાધુ-સાધ્વીઓએ સંસાર ત્યાગ કર્યો હોવાથી મહાસતીજીએ ગળામાં કોઈ કિંમતી ધાતુ પહેરી નહોતી તેથી તેઓ ભાગી ગયા હોવાનું મનાય છે. જોકે આવા લોકો પર ધાક બેસાડતી કાર્યવાહી કરવા જૈન સમાજ દ્વારા માગ કરવામાં આવી હતી.
આ બનાવના પગલે મોટી સંખ્યામાં જૈન સમાજ તથા ઉપાશ્રયના લોકો વાગડ વેલ્ફેર હોસ્પિટલ પહોંચી ગયા હતા. ઘટનાને પગલે કચ્છની મુંબઈ સુધીના જૈન સમાજમાં ઉચાટ ફેલાયો હતો.