માંડવીઃ શહેરના દરિયામાં પ્રવાસીઓ માટે ખાસ સ્પીડ બોટની વ્યવસ્થા કરાઇ છે. જે સ્પીડ બોટ 24 સપ્ટેમ્બરે સાંજના સમયે અકસ્માતે ઊંધી વળી જતાં તેમાં સવાર ચાર પ્રવાસી ડૂબ્યા લાગ્યા હતા. જોકે આ ડૂબતા તમામ ચાર પ્રવાસીઓને બચાવી લેવાતા જાનહાનિ થઈ ન હતી. વાંકાનેરથી કચ્છમાં ફરવા માટે આવેલા પ્રવાસીઓ માંડવી બીચ પર બોટ રાઇડીંગની મોજ માણવા સ્પીડ બોટમાં બેઠા હતા. સ્પીડ બોટ સમુદ્રમાં મધ્ય ભાગમાં પહોંચી ત્યારે મોટા મોજાની થપાટથી સ્પીડ બોટ વળી ગઈ હતી અને તેમાં સવાર ચાર પ્રવાસી દરિયામાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે અન્ય સ્પીડ બોટના ચાલકે સમયસૂચકતા વાપરી ચારેય પ્રવાસીઓને બચાવી લીધા હતા. જોકે, એક મહિલા પ્રવાસી દક્ષાબેન સુરેલા પાણી પી જવાથી તેમને માંડવીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.