ભુજ: કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ સંતોષભાઇ જગદીશભાઇ રાઠોડ શુક્રવારે રાત્રે પીએસઓ તરીકે ફરજ પર હતા. આ દરમિયાન સાડા બાર વાગ્યાના અરસામાં પાંચોટીયાનો આરોપી પુનશી આલા ગઢવી સાથે તેનો ભાઈ હરી આલા ગઢવી, મોટી ભુજપુરનો શામળા થારૂ ગઢવી અને ઝરપરાનો ગોપાલ રામ મીંઢાણી(ગઢવી) પોલીસ મથકે આવ્યા હતા.
પોલીસ મથકે આવતાં પહેલા આરોપીઓએ કંટ્રોલરૂમમાં ફોન કરીને અગાઉ આરોપી હરી સાથે થયેલી ઓનલાઇન ઠગાઈ બાબતે રજૂઆત કરવા પોલીસ સ્ટેશને જઇ રહ્યા હોવાની જાણ કરી હતી. જોકે તેમનો ઇરાદો પોલીસ પર હુમલાનો હતો. એકસંપ કરીને હુમલો કરવાના ઈરાદે આવેલા આરોપીઓએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પછી ફરિયાદી હેડ કોન્સ્ટેબલ મેહુલ જોષી પર તલવાર અને છરીથી હુમલો કર્યો હતો અને હથિયારો સાથે પોલીસ મથકમાં જ આતંક મચાવ્યો હતો. આ હુમલામાં પીએસઆઈ યુ. કે. યાદવને હાથના ભાગે છરી વાગી હતી. પોલીસકર્મી મેહુલભાઇ જોષી ઉપર કરાયેલા હુમલામાં આરોપીઓએ બારીના કાચને તોડી નાખી નુકશાન કર્યું હતું. જોકે પોલીસકર્મીઓએ ચારેય આરોપીને ઝબ્બે કરીને જેલભેગા કર્યા છે.