અમદાવાદ: મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ પ્રદેશમાં મળ્યું છે, જે સાબિત કરે છે કે જમીનનું બંધારણ મંગળ ગ્રહ જેવું જ છે. જેના પગલે હવે ટોચના સંસ્થાનોના વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન કરવા તૈયારી કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકોનો દાવો એવો પણ છે કે, બેસાલ્ટ ટેરેનમાં સમગ્ર પૃથ્વી પર માતાનો મઢ એક માત્ર એવું સ્થળ છે જ્યાં જેરોસાઇટ મળી આવ્યું છે. હવે આઈઆઈટી-ખડગપુર, અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ અને હૈદરાબાદ સ્થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે તેવા અહેવાલ છે.
આ અભ્યાસ તેમને મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારના કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા હતા તેના સંશોધનમાં બહુ ઉપયોગી બનશે. તાજેતરમાં ‘નાસા’ના વૈજ્ઞાનિકોએ પણ અહીંની મુલાકાત લઇને આ જગ્યાના બંધારણ વિશે વિશદ્ અભ્યાસ કર્યો હતો. કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડો. મહેશ ઠક્કરને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે માતાના મઢ ખાતે જેરોસાઇટ ધરબાયેલું છે. ‘નાસા’ના છ વૈજ્ઞાનિકો તાજેતરમાં સંશોધન માટે કચ્છ આવીને પરત ફર્યા છે. મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજ અને ‘નાસા’એ માતાના મઢ ખાતે કરેલા અભ્યાસમાં સમાનતા જોવા મળી છે. આ પછી અનેક સંશોધકો કચ્છના આંટા મારી રહ્યા છે.
હાઈડ્રો સલ્ફેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી જેરોસાઇટ બને છે. અમેરિકાના સેન્ટ લુઈ સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓનું કહેવું છે કે, માતાના મઢ એ મંગળ ગ્રહના તત્વોમાં ઘણી સમાનતા છે.
આ સંશોધન ઉપયોગી
આઈઆઈટી-ખડગપુરના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા પ્રો. સાઇબલ ગુપ્તાએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ અભ્યાસથી ભવિષ્યમાં ‘નાસા’ અને ‘ઇસરો’ના માર્સ મિશન દરમિયાન કઈ જગ્યાએ લેન્ડિંગ સાઈટ નક્કી કરવી તેમાં માતાના મઢની જગ્યાનો અભ્યાસ મહત્ત્વનો સાબિત થશે.