ભુજ: કચ્છમાં લેવા પટેલોના ૨૪ ગામની બેકોંમાં અબજોની સંપત્તિ ડિપોઝીટ રૂપે છે. તેના પગલે માધાપરનો એશિયાના સૌથી ધનિક ગામમાં સમાવેશ થાય છે. માધાપરની ડિપોઝીટમાં મંદીના માર વચ્ચે પણ ૫૮ ટકા જેટલો વધારો નોંધાયો હતો. વર્તમાન સમયમાં માધાપરમાં રૂ. ૩૪૭૭ કરોડનો ખજાનો બેંકો અને પોસ્ટના ખાતાંઓમાં સચવાયેલો છે.
માધાપરની ૧૭ બેંકોની આર્થિક પરિસ્થિતિ એટલી સબળી છે કે ભારતની અન્ય જગ્યાએ આવેલી બેંકો કે બેંકોની શાખાઓ આર્થિક દૃષ્ટિએ માધાપરની બેંકો પર આધાર રાખે છે. હાલ માધાપરમાં નવી નવી બેંકોની શાખા વધી રહી છે અને પોતાની આકર્ષક સ્કિમ મૂકીને લોકોને પોતાની રકમ બેંકમાં ડિપોઝીટ કરવા આકર્ષી રહી છે. કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકે તો આ ગામમાં પોતાની બબ્બે શાખા ખોલી છે. આવી બેંકોમાં બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. એશિયાના ટોપ રિચેસ્ટ વિલેજમાં માધાપરનું નામ આવે છે અને માધાપરે વર્ષોથી પોતાનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. માધાપર પછી એશિયના ટોપ રિચેસ્ટ વિલેજમાં બળદિયાનો નંબર આવે છે. એ પણ ભુજ તાલુકાનું જ ગામ છે. ૨૦૧૧માં જયારે માધાપરની બેંકોમાં ડિપોઝીટનો સર્વે થયો હતો ત્યારે અંદાજિત કુલ રૂ. ૨૧૦૦ કરોડની જમાપુંજી નોંધાઈ હતી. જયારે વર્ષ ૨૦૧૬માં ફરી ગામની ઈકોનોમી બાબતેના સર્વેમાં મંદીના તબક્કા વચ્ચે પણ ભારે ઉછાળો આવ્યો છે.
મંદીની અસર નહીં
યુરોપ, અમેરિકા, યુએઈ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં મંદીનો ગાળો ચાલી રહ્યો છે, આમ છતાં ત્યાં વસતા આ ગામના ખાસ કરીને પાટીદારોને મંદી નડી ન હોય તેવું વર્તમાન ડિપોઝીટના આંકડા દર્શાવે છે. ૪૫ હજારથી વધુ વસતી ધરાવતું માધાપર જૂનાવાસ અને નવાવાસ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. એમાં પટેલોની વસતી નવાવાસમાં વધુ છે. નવાવાસમાં ૧૬ જેટલી બેંકોની શાખાઓ અને ઝોનલ પોસ્ટઓફિસની શાખાઓ છે. આમ છતાં પટેલોની વસતીને ધ્યાને રાખતાં મકાનોનાં ઊંચા ભાડા ચૂકવીને પણ બેંકો પોતાની શાખા નવાવાસમાં ખોલવા તત્પર હોય છે. વર્તમાન સમયમાં કરાયેલા સર્વેમાં સૌથી વધુ ડિપોઝીટ બેંક ઓફ બરોડો તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોંધાઈ છે. જયારે ૧૩ રાષ્ટ્રીયકૃત બેંક તથા ૪ ખાનગી બેંકમાં સૌથી ઓછી થાપણ છે. સૌથી ઓછી ડિપોઝીટ એચડીએફસીમાં છે.
દર વર્ષે થાપણમાં ૧૧થી ૧૨ ટકાનો ગ્રોથ
૫ વર્ષ પહેલાં માધાપરની બેંકોમાં કુલ થાપણ રૂ. ૨૨૦૦ કરોડ હતી જેમાં વધારો થતાં વર્તમાનમાં રૂ. ૩૪૭૭ છે એટલે કે વાર્ષિક ૧૧થી ૧૨ ટકાના ગ્રોથ રેટ સાથે ડિપોઝીટમાં વૃદ્ધિ થઈ છે.
લોન લેવાનું પ્રમાણ સાવ નહિવત
બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ ગામની બેંકોમાં એનઆરઆઈઓની કરોડોની ડિપોઝીટ છે સામે ૯૯ ટકા લોન લેવાતી નથી. હાલ ૧ ટકા જ એવા લોકો છે જે બેંકમાંથી લોન લે છે.
પોસ્ટની થાપણ બેંકોમાં જઈ રહી છે
૫ વર્ષ પહેલાં માદાપરની પોસ્ટમાં પણ રૂ. ૮૦૦ કરોડ હતા, પરંતુ પોસ્ટ કરતાં બેંકોમાં ડિપોઝીટની સ્કિમ વધુ આકર્ષક હોવાથી પોસ્ટમાં રૂ. ૨૭૫ કરોડની જ થાપણો છે.