ભૂજઃ વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાન દ્વારા બોમ્બમારો થતાં પોતાના જીવની ચિંતા કર્યા વગર ભૂજ એરપોર્ટના રનવેનું સમારકામ કરનારી માધાપરની વીરાંગનાઓનાં સન્માન માટે નિર્મિત સ્મારકનું લોકાર્પણ ત્રણ કેન્દ્રીય પ્રધાનોએ કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે આ સ્મારકની ઝલક ૨૬ જાન્યુઆરીની નવી દિલ્હીની પરેડમાં રજૂ કરવાની જાહેરાત સાથે પાકિસ્તાન સામેના ૧૯૬૫ના યુદ્ધમાં પરાક્રમ કરનારી એક ટેન્ક અને ૧૯૭૧ના જંગનું એક જેટ વિમાન સ્મારક ખાતે મૂકવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
વીરાંગનાઓને બિરદાવીને પાર્રિકરે કહ્યું હતું કે, કચ્છે રાષ્ટ્ર સમક્ષ દેશભક્તિનું અને નારીશક્તિનું ઉદાહરણ પૂરું પાડયું છે. આ સ્મારક માટે અનુદાન અને પ્રેરણા આપનારા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કચ્છની જનતાને ગૌરવશાળી ઇતિહાસ ઉજાગર કરનારી પ્રજા તરીકે વખાણીને કહ્યું હતું કે, સ્મારક પ્રેરણારૂપ બનશે.
માધાપરમાં અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે નિર્મિત આ વીરાંગના સ્મારકનું લોકાર્પણ કર્યા પછી કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યકક્ષાના કેન્દ્રીય કૃષિ પ્રધાન મોહનભાઇ કુંડારિયાએ એમ.એસ.વી. હાઇસ્કૂલના મેદાનમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી. પોતાની સાદગી માટે સંરક્ષણ પ્રધાન પાર્રિકરે ૧૯૭૧ના યુદ્ધમાં જીવના જોખમે રનવે તૈયાર કરનારી વીરાંગનાઓને બિરદાવીને કહ્યું હતું કે દેશમાં જ્યાં સુધી આવી માતાઓ-બહેનો છે ત્યાં સુધી આપણા સીમાડા નષ્ટ કરવાનું સાહસ કોઇ કરી શકશે નહીં. ૪૫ વર્ષ પૂર્વે જેમણે આ પરાક્રમ કર્યું એમના સન્માન માટે અહીં આવવું મારા માટે ગૌરવની વાત છે. ૧૯૬૫ના યુદ્ધ અને કચ્છનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ૧૯૬૫ના યુદ્ધમાં ભારતના વિજયના ૫૦ વર્ષની ઉજવણી શરૂ થઇ રહી છે અને જોગાનુજોગ એના એક દિવસ પહેલા જ હું એ કચ્છમાં આવ્યો છું. જ્યાંથી ૧૯૬૫ના યુદ્ધની શરૂઆત થઇ હતી, એપ્રિલમાં પાકિસ્તાનનું સૈન્ય કચ્છના રણમાં ઘૂસી આવ્યું એ ઘટના જ યુદ્ધ માટેની ચિનગારી સાબિત થઇ હતી.
સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં વિધાનસભા ચૂંટણી વખતે માધાપર આવી ત્યારે વચન આપ્યું હતું કે આ વીરાંગના સ્મારક પૂર્ણ થશે ત્યારે માધાપર ફરી આવીશ આજે મારું વચન પૂરું થયું છે.
કચ્છના સ્વાભિમાનને સલામ કરતાં માનવ સંસાધન વિકાસ પ્રધાને જણાવ્યું હતું કે મેં જ્યારે સ્મારક માટે રૂ. દસ લાખનું અનુદાન આપ્યું ત્યારે કહેલું કે એનાથી વધુ નાણાં તમે એકત્ર કરજો. અને એમ થયું. આ સ્મારક જોઇને થાય છે કે કચ્છીઓ ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરતી પ્રજા છે.