ભુજ: મિરજાપર રોડ પર આવેલી ભુજ સ્વામીનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના સંકુલમાં ૧૧મી ફેબ્રુઆરીએ પ્રિન્સિપાલ રીટાબહેન રણિંગા, એડમિનિસ્ટ્રેટર અનિતાબહેન, શિક્ષિકા રમીલાબહેન અને પટાવાળા નયનાબહેને તમામ ૬૦ વિદ્યાર્થિનીઓમાંથી કોણ માસિક ધર્મમાં છે? તેની તપાસ કરતાં વિવાદ ઊભો થયો છે. ઈન્સ્ટિટ્યૂટ વિવાદમાં આવ્યા પછી ઈન્સ્ટિટ્યૂટની કર્મચારી ઉપરોક્ત ચારેય મહિલાઓ સામે વિદ્યાર્થિનીઓને અપમાનિત કરવાની, ગુનાઈત બેશરમી અને દાદાગીરી આચરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. એ પછી છાત્રાઓનાં માસિક ધર્મને લઈ કપડાં ઉતરાવવા મુદ્દે કચ્છ આવેલા રાષ્ટ્રીય મહિલા આયોગનાં સભ્ય ડો. રાજુલબહેન દેસાઈએ આ બનાવને ૨૧મી સદીની શરમજનક ઘટના ગણાવી હતી. કોલેજનાં ટ્રસ્ટીઓ સાથે બેઠકમાં તેમણે આ પ્રકારનાં જડ વલણની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં ટ્રસ્ટીઓએ માસિક ધર્મ પાળવા અંગેના રૂઢિચુસ્ત નિયમો દૂર કરવાની લેખિતમાં ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઋતુધર્મમાં આવેલી છોકરીઓએ અલગ જમવાનું અને અલગ બેસવાનું હોય છે. વિદ્યાર્થિનીઓ માસિક ધર્મમાં હોવા છતાં છુપાવતી નથી તે ચકાસવા માટે ઈન્સ્ટિટ્યૂટની સ્ત્રી કર્મીઓએ તમામ વિદ્યાર્થિનીઓનાં વસ્ત્રો ઉતરાવ્યા હતા. વિદ્યાર્થિનીઓને આ સમયે ચૂપ રાખવા કોલેજ /છાત્રાલયમાંથી હાંકી કાઢવાની ધમકી પણ અપાઈ હતી.
ગુનેગારોની જેમ તપાસ
પ્રિન્સિપાલની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા છે, ૧૧મી ફેબ્રુઆરીએ સવારે ૧૧થી ૧૨ના અરસામાં તમામ વિદ્યાર્થિનીઓને બોલાવાઈ હતી તે સીસીટીવી ફૂટેજમાં કેદ થયું હતું. આ ઉપરાંત પેડ જ્યાં ત્યાં ફેંકવા બદલ છોકરીઓ પાસે માફીપત્ર લખાવાયા હતા.
કેટલીક છાત્રાઓએ જણાવ્યું કે, ટ્રસ્ટી તરફથી અને સંકુલની કેટલીક કર્મચારીઓ તરફથી ધમકી પણ અપાઈ હતી કે ક્યાંય ફરિયાદ કરશો તો સંસ્થામાંથી કાઢી મુકાશે. કન્યાઓએ કંઈ કાર્યવાહી કરવી નહીં તેવું લખાણ પણ બળજબરીથી લખાવી લેવાયું હોવાનું ખૂલ્યું છે જોકે સંસ્થાના સંચાલકોનો દાવો છે કે વિદ્યાર્થિનીઓએ સામેથી માફીપત્ર લખી આપવા તૈયારી દર્શાવી હતી.
પ્રિન્સિપાલ રજા પર
૧૧મી ફેબ્રુઆરીએ ચકાસણી બાદ વિદ્યાર્થિનીઓમાં રોષ ભભૂકી ઉઠતાં અને વિવાદ વધુ વકરતાં આચાર્યા રજા પર ઉતરી ગયા હતા અને ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. આ સંસ્થાના ટ્રસ્ટી અને કચ્છ યુનિ. ઈસી મેમ્બર પ્રવીણ પિંડોરિયાને તપાસમાંથી બચાવી લેવાનું કહેવાય છે. એક સમયે પીંડોરિયા કચ્છ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ હતા તેથી ભાજપના ટોચના નેતાઓ સાથે ઘરોબો હોવાથી તેમને તપાસમાંથી બચાવાયા હોવાની પણ ચર્ચા છે. હાલમાં રીટાબહેન રણિંગા, અનિતાબહેન, રમીલાબહેન અને નયનાબહેન સામે કાયદાકીય ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરાઈ છે.
ત્રણને સસ્પેન્ડ કરાયા
કચ્છ યુનિવર્સિટી આ ઘટનાની તાત્કાલિક તપાસ માટે કુલપતિ ડો. દર્શનાબહેન ધોળકિયા, રજિસ્ટ્રાર તેજલ શેઠ, ડીન પી. એસ. હીરાણી, અંગ્રેજી વિભાગનાં હેડ ડો. કાશ્મીરા મહેતા તથા અર્થશાસ્ત્રનાં વડા ડો. કલ્પના સતીજાની સમિતિ રચી હતી. આ સમિતિએ ૧૩મી અને ૧૪મી ફેબ્રુઆરી એમ બે દિવસ ઈન્સ્ટિટયૂટમાં તપાસ કરીને રીટાબહેન, અનિતાબહેન અને નયનાબહેનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.