ગાંધીધામઃ યોગ દર્શન પરમાર્થિક ટ્રસ્ટ દ્વારા મુંદરા તાલુકાના શિરાચામાં વિશ્વનું સૌ પ્રથમ ધ્વનિ ધ્યાન કેન્દ્રનું ભવિષ્યમાં નિર્માણ થશે. ગાંધીધામમાં સર્વેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટના સ્થાપક ગુરુ સ્વામી હર્ષાનંદ મહારાજે કહ્યું કે, દેશમાં અનેક બીમારીએ ઘર કરતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. માણસને બીમારી આવે એ પહેલાં જ સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ કરીને યોગ અપનાવવો જોઈએ. સ્વસ્થ જીવન જીવવા ઇચ્છતા મનુષ્યો માટે ધ્વનિ યોગ ઉત્તમ છે. તેથી જ કચ્છમાં ધ્વનિ ધ્યાન કેન્દ્રની સ્થાપના થઈ રહી છે.
સ્વામીજીના ગુરુ મહંત દેવેન્દ્રગિરિજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના સૌ પ્રથમ ધ્વનિ ધ્યાન કેન્દ્ર માટે મહંત દેવેન્દ્રગિરિએ શિરાચાની પાંચ એકર જમીન યોગ દર્શન પરમાર્થિક ટ્રસ્ટને દાનમાં આપી છે. આ ધ્વનિ ધ્યાન કેન્દ્રમાં એકસાથે ૧૦૦૦ લોકો ધ્યાન કરી શકશે. આ ધ્વનિ ધ્યાન કેન્દ્રમાં યોગને વિજ્ઞાન અને અધ્યાત્મ સાથે જોડીને સાઉન્ડ થેરાપી મારફત શરીર, પ્રાણ વિચારને સંતુલિત બનાવતાં શીખવવામાં આવશે. ૪૦ વર્ષ સુધી દેશની ૩૫૦૦ જેટલી શાળાઓ અને ૧૮૨ જેટલી જેલમાં હર્ષાનંદ મહારાજે શિબિરો યોજી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભવિષ્યમાં એક ગામ દત્તક લઇ કચ્છમાં ફાઈલ ફ્રી વિલેજ બનાવવાની યોજના પણ છે. આ પ્રકલ્પ અંતર્ગત સૌપ્રથમ ગામની દરેક વ્યક્તિને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા પ્રયાસ કરાશે.