ગાંધીધામ: મુંદ્રા કસ્ટમની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં 110 કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતી 68 લાખ ટ્રામાડોલ (ફાઈટર) ટેબ્લેટને ઝડપી પાડી હતી. આ ટેબ્લેટ બે કન્ટેઈનરના પાછળના ભાગે છુપાવાયેલી હતી. મુન્દ્રા કસ્ટમ્સની એસઆઈઆઈબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે, રાજકોટ સ્થિત નિકાસકાર વેપારીના પશ્ચિમ આફ્રિકાના દેશો સિએરા લિયોન અને નાઇજર જઇ રહેલા બે કન્સાઇન્મેન્ટ્સ અટકાવાયા હતા. બન્ને કન્સાઇન્મેન્ટમાં ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબનો જથ્થો હોવાનું જણાવાયું હતું, જોકે તપાસ દરમિયાન પ્રતિબંધિત નશીલી ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.
કન્ટેઇનરના આગળના ભાગમાં કસ્ટમમાં જાહેર કર્યા અનુસારની ટેબ્લેટ્સ હતી, પરંતુ પાછળના ભાગે પ્રતિબંધિત ટેબ્લેટના બોક્સ મળી આવ્યા હતા. કસ્ટમ અધિકારીઓએ ટ્રામાડોલની કુલ આશરે 68 લાખ ટેબ્લેટ જપ્ત કરી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારકિંમત આશરે 110 કરોડ રૂપિયા છે. હવે અધિકારીઓએ રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામમાં વિશેષ તપાસ હાથ ધરી છે.
‘ફાઇટર ડ્રગ’ નામ શા માટે?
આઈએસઆઈએસ જેવા સંગઠનના આતંકીઓ લાંબા કલાકો સુધી જાગતા રહેવા માટે તેનો ઉપયોગ કરતા હોવાના અહેવાલ બાદ ટ્રામડોલ તાજેતરના સમયમાં ‘ફાઇટર ડ્રગ’ તરીકે પ્રખ્યાત થઈ છે. એવું પણ નોંધાયું છે કે આ કૃત્રિમ ઓપીયોઇડ દવા લોકપ્રિય છે અને નાઇજીરીયા, ઘાના વગેરે જેવા આફ્રિકન દેશોમાં તેની ઊંચી માંગ છે. મુન્દ્રા કસ્ટમ્સ દ્વારા આ જપ્તી ટ્રામાડોલ ટેબ્લેટની અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી પૈકીની એક છે.