મુંદ્રાઃ છેલ્લા બે દાયકામાં કચ્છમાં ખેતી ક્ષેત્રે ઘણાં વિકાસશીલ બદલાવ આવ્યાં છે. અહીં દાડમની ખેતી સતત વધતી જાય છે એ વચ્ચે મુંદ્રા તાલુકાના મંગરા ગામે ઓસ્ટ્રેલિયન ફળ ડ્રેગનનું સફળ વાવેતર થયું છે અને ધાર્યું પરિણામ પણ મળ્યું છે.આ ફળમાં પુષ્કળ પ્રમાણમાં હિમોગ્લોબિનની ક્ષતિપૂર્તિ કરવાની ક્ષમતા છે. મંગરા ગામના પ્રગતિશીલ કિસાન દેવજીભાઈ ઓધવજીભાઈ જેઠવાએ તેમની વાડીમાં ડ્રેગન ફ્રૂટનું બે એકરમાં વાવેતર કર્યું છે. ૧૦ મહિના પહેલા કરેલા વાવેતરમાં અપેક્ષા મુજબના ફળ લાગવા શરૂ થયા છે. સિમેન્ટના દરેક થાંભલે ચાર રોપાનું વાવેતર કરી ટપક પદ્ધતિથી પાણી અને દેશી પદ્ધતિથી ડ્રેગનના છોડની માવજત શરૂ કરી છે.
વાડીની મુલાકાત દરમિયાન ધારદાર કાંટાળા પાનમાં ફળ લાગેલા જોવા મળ્યા હતા. તેમના પુત્ર ભરતભાઈએ જણાવ્યું કે ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં પ્રથમ ખર્ચ મોટો આવે છે પણ ત્યારબાદ સારી કસવાળી આવક આ ફળ રળી આપે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં આ ફળના વાવેતરની મુલાકાત લઈ ભરતભાઈએ મંગરામાં તેનો પ્રયોગ કર્યો સાથે સાથે આ ફળના ૧૨ હજારથી વધારે રોપા તૈયાર કર્યા છે.