રાજકોટ: વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે. જેમાં કચ્છના મુંદ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઇલ પહોંચાડવાની લાઈન બિછાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું છે જે પ્રોજેક્ટ પાછળ 9000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કચ્છમાં 16,500 કરોડના પાવર પ્રોજેક્ટ ખુલ્લા મુક્યા છે. જ્યારે ગુજરાતના આરોગ્ય વિભાગ માટે રાજકોટની નવી એમસીએચ હોસ્પિટલ સહિત 1584 કરોડ રૂપિયાના આરોગ્યલક્ષી કામો જાહેર કર્યા છે.