કચ્છના ખૂબ વિકાસ પામેલા મુંદરા પોર્ટની આજુબાજુના ૧૫થી ૨૦ કિ.મી. વિસ્તારમાં પાકિસ્તાનના એફ. એમ. બેન્ડ રેડિયોનો અવાજ સંભળાય છે. આ વિસ્તારમાં પાકિસ્તાને ટ્રાન્સપોન્ડર લગાવ્યું હોય તેવી શંકા તજજ્ઞો વ્યકત કરી રહ્યા છે. કચ્છ-પાકિસ્તાનની સરહદ એક જ હોવાથી લોકોમાં આ અંગે ચિંતા વ્યાપી છે. અગાઉ પણ પાકિસ્તાની હેકર્સ દ્વારા ગુજરાત સરકારની વેબસાઈટ હેક કરવામાં આવી હતી અને તેમાં સભ્ય લખાણ મૂકવામાં આવ્યા હતા.
ભારાસરમાં વિદેશવાસી દાતા દ્વારા શાળાનું નિર્માણઃ વિદેશવાસી દાતાઓ વતનમાં પોતાની જ્ઞાતિ કે સમાજ માટે આરોગ્ય-શિક્ષણ વગેરે પ્રકલ્પોમાં દાનની સરવાણી વહેવતા હોય છે. સિસલ્સસ્થિત દાતાએ ભારાસરમાં પોતાના માતાની યાદમાં સરકારી પ્રાથમિક કન્યા શાળા બનાવી આપીને અનોખી પ્રેરણા આપી છે. ભારાસરના જ વતની અને સિસલ્સવાસી વિશ્રામભાઇ જાદવા વરસાણી (વિજય કન્સ્ટ્રકશન)એ માતા રામબાઇ જાદવા મેઘજી વરસાણી નામકરણ સાથે આધુનિક વિદ્યાસંકુલનું નિર્માણ કાર્ય કર્યું છે. સાત વર્ગખંડ, લાયબ્રેરી, સંગીત, કોમ્પ્યુટર, સેનિટેશન યુનિટ, મોટા વિવિધલક્ષી સાંસ્કૃતિક હોલને આધુનિક પદ્ધતિથી તૈયાર કરાયો છે. પ્રોજેક્ટના એન્જિનીયર નીલેશ વરસાણીએ આવું બાંધકામ કચ્છની કોઇપણ નિશાળમાં ન હોવાનું જણાવ્યું હતું. સંકુલમાં ૧૨,૫૦૦ ચોરસ ફૂટ બાંધકામ અંદાજે રૂ. અઢી કરોડના ખર્ચે થયું છે, જે ભૂકંપપ્રૂફ છે.
લંડનવાસીના યજમાન પદે શાકોત્સવ યોજાયોઃ રામપર-વેકરા પાસેના ભૂજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત હરિ તપોવન ગુરુકુળ ખાતે તાજેતરમાં શાકોત્સવ યોજાયો હતો. ગોડપરના વતની અત્યારે લંડનવાસી નાનજીભાઇ મૂરજી હીરાણી, કેશરબેન નાનજી હીરાણી, રમાબેન રમેશ હીરાણી, જશુબેન પ્રવીણ હીરાણી, શાંતાબેન વિનોદ હીરાણી તથા અમૃતબેન અરજણ ભુડિયા પરિવારના યજમાન પદે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુરુકુળના વિદ્યાર્થીઓેએ અદ્ભુત શારીરિક કૌશલ્ય દર્શાવીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. દાતાઓએ વિદ્યાર્થીઓને બિરદાવતાં લાખો રૂપિયાના દાન સેવા કાર્યો માટે જાહેર કર્યા હતા. અહીં આવતા વર્ષે યોજાનારા શાકોત્સવ માટે સાંખ્યયોગી અમરબાઇ દેવજી કેરાઇ (રામપર)ના મુખ્ય યજમાન પદેથી જાહેરાત કરાઇ હતી.