ભુજઃ સામાન્ય રીતે કોરા દુકાળનો ભોગ બનતાં કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. મુન્દ્રામાં ૧૩મી સપ્ટેમ્બરે અચાનક ખાબકેલા વરસાદથી જનજીવન ખોરવાયું હતું. માત્ર ૪૦ મિનિટમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. લોકલ સિસ્ટમ સક્રિય થયા બાદ જિલ્લામાં રવિવારે સવારથી જ ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ ૪ વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. મુન્દ્રા તાલુકો ૨થી ૪ ઇંચથી તરબતર થયો હતો. વરસાદી ઝાપટાંથી અન્ય ૩ તાલુકા અબડાસા, માંડવી અને ભચાઉ તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી હતી. મુન્દ્રામાં રવિવારે સાંજે વીજળી સાથે ધોધમાર વરસાદ ખાબકતાં ચોમેર પાણીના ધોરિયા વહી નીકળ્યા હતા. મામલતદાર કચેરી વિસ્તારમાં ચાલીસ મિનિટમાં ૯૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ પડતાં સાંજે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.