મૃત્યુના ૮૫ વર્ષ પછી શ્યામજી કૃષ્ણને બ્રિટન દ્વારા ફરી વકીલાતનું લાઈસન્સ!

Wednesday 04th April 2018 09:30 EDT
 
 

માંડવીઃ બ્રિટનમાં રહીને જ બ્રિટિશ સરકાર સામે લડવાની હિંમત કરનારા ગુજરાતી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની ૩૦મી માર્ચે ૮૮મી પુણ્યતિથિ હતી. બ્રિટનમાં વકીલાત કરતાં શ્યામજી વર્માની સનદ ૧૯૦૯માં રદ કરી દેવાઈ હતી, જ્યારે ૧૦૬ વર્ષ પછી બ્રિટિશ સરકારે એ ભૂલ સુધારીને ફરીથી તેમને વકીલ તરીકે માન્ય ગણ્યા હતા.
શ્યામજી વર્મા ભારત આઝાદ નહોતું ત્યારે લંડનમાં રહીને ભારતની આઝાદી માટે લડતા હતા અને વીર સાવરકર તથા મદનલાલ ઢીંગરા જેવા સ્વાતંત્ર સેનાનીઓને માર્ગદર્શન આપતા હતા. જેથી બ્રિટિશ બાર એસોસિએશને તેમની સનદ રદ કરી હતી.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૫માં બ્રિટિશ યાત્રાએ ગયા ત્યારે બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમેરોને એ સનદપત્ર ભારતને સોંપ્યો હતો. શ્યામજી વર્માના અવસાનના ૮૫ વર્ષ પછી હવે સનદનો કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ તો નથી, પરંતુ તેમની શહાદતનું આ સન્માન કહી શકાય. ૧૯૩૦માં સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં શ્યામજી વર્માનું મૃત્યુ થયું હતું. એ વખતે તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભારત આઝાદ થાય ત્યારે મારા અસ્થિ આઝાદ ભૂમિ પર લાવીને પધરાવજો.
છેક ૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જીનીવા જઈને તેમના અસ્થિ લઈ આવ્યા હતા. વર્મા અને તેમનાં પત્ની ભાનુમતિનાં અસ્થિ તેમના વતન માંડવીમાં ક્રાંતિતીર્થ સ્મારકમાં રખાયાં છે. ૪થી ઓક્ટોબર, ૧૮૫૭ના રોજ શ્યામજી વર્માનો જન્મ માંડવીમાં થયો હતો. એ પછી તેમણે મુંબઈ અને વિલાયતમાં અભ્યાસ કરી ત્યાં જ વકીલાત શરૂ કરી દીધી હતી.
લંડનમાં શ્યામજી કૃષ્ણએ ઈન્ડિયા હાઉસ નામની સંસ્થા સ્થાપી હતી, જ્યાં ભારતથી જતા ક્રાંતિકારીઓનો અડ્ડો ભરાતો હતો અને ભારતની આઝાદીની રૂપરેખા ઘડાતી હતી. તેમણે જ ૧૯૦૫માં ‘ઈન્ડિયન હોમરુલ સોસાયટી’ અને પછી ‘ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ’ની સ્થાપના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter