ભુજઃ આફ્રિકાના હજારો બાળકો-પરિવારોના તારણહાર કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયાએ કચ્છમાં સામાજિક અને સાર્વજનિક સેવા માટે તાજેતરમાં ચોવીસી ગામોના કચ્છી લેઉઆ પટેલ સમાજની સાક્ષીમાં રૂ. ૧૫૦ કરોડના મહાદાનની જાહેરાત કરી હતી. એ પછી સમાજે એમનું હજારો દીકરીઓનાં પાલકપિતા બિરુદથી અદકેરું સન્માન કર્યું હતું. સંકુલોના નામકરણ થયાં હતાં. જ્ઞાતિનું દીપાવલિ સ્નેહમિલન અને ૩૪૬ તેજસ્વી છાત્ર-છાત્રાઓને સરસ્વતી સન્માન અપાયું હતું. નર્સિંગ કોલેજનું ખાતમુહૂર્ત કરાયું હતું. નવ વર્ષ પછી માદરે વતન કચ્છ આવેલા હસુભાઈ ભુડિયાનું ઐતિહાસિક સન્માન કરાયું હતું.
યુગાન્ડામાં રૂ. ૪૦ કરોડ, અમદાવાદ કન્યા છાત્રાલયમાં રૂ. ૨૫ કરોડ, છારોડી એસજીવીપી ગુરુકુળમાં હોસ્પિટલ માટે રૂ. પાંચ કરોડની સખાવત કરનારા હસમુખભાઈ કાનજી ભુડિયાનું તાજેતરમાં વતન કચ્છમાં સન્માન કરાયું હતું. ડિસેમ્બર, ૨૦૧૮માં તેઓએ કચ્છી લેવા પટેલ સમાજના નૂતન શૈક્ષણિક સંકુલની ભૂમિ અર્પણ કરી હતી. તેમાં જુદા-જુદા શૈક્ષણિક ભવનો નિર્માણ પામશે તે વિભાગનું ‘સૂરજ શિક્ષણધામ’ જ્યારે છાત્ર-છાત્રાઓના આવાસ માટે ‘કન્યા રતનધામ’ નામકરણ જ્ઞાતિગંગાની સાક્ષીએ તાજેતરમાં કરાયું હતું.
વતનના કાર્યક્રમમાં હસુભાઈ ભુડિયા દ્વારા કચ્છમાં રૂ. રૂ. ૪૦ કરોડનું દાન અગાઉ શૈક્ષણિક ભવન માટે જાહેર કરાયું હતું. તે પૈકી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત ગં.સ્વ. ભાનુબેન અરવિંદભાઈ ભુડિયા નર્સિંગ કોલેજનું ખાતમુહૂર્ત કરાયું હતું. છાત્રાલય વિભાગ ગં.સ્વ. રતનબહેન કેશવલાલ ભુડિયા ‘કન્યા રતનધામ’ તરીકે સર્જવાનું જાહેર કરાયું હતું. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના ગોપાલભાઈ માવજી ગોરસિયાએ કાર્યક્રમમાં દાતા પરિવારનો આભાર માની સમાજ વિકાસ, સંકુલ વિકાસની વિગતો આપી હતી.
કન્યા રતનધામમાં ખાતમુહૂર્ત બાદ આશીર્વાદ આપતાં ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ કહ્યું કે, સેવા અને દાનમાં હસુભાઈ ભુડિયાની દિલેરીનો જોટો જડે તેમ નથી. સામાજિક વિકાસમાં કચ્છી લેવા પટેલ સમાજના વિકાસને એમણે અન્ય દરેક સમાજ માટે આદર્શ ગણાવ્યો હતો. ભુજ સમાજે સુવર્ણ રજત હીરાજડિત કળશથી, ચોવીસી ગામેગામના સમાજ, મા-બાપના છત્ર વિહોણી કન્યાઓએ હસુભાઈનું પ્રતીક ભેટથી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છના આ આફ્રિકાવાસી રિલાયન્સ પરિવારના ક્રિષ્ના સૂરજ ભુડિયાના પૂત્રવધૂ તરીકેના આગમનને વધાવાયું હતું. એજ્યુકેશન-મેડિકલ ટ્રસ્ટ પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પિંડોરિયાએ દાતા પરિવારની સખાવતોનો ઈતિહાસ વર્ણવ્યો હતો.
અરજણભાઈએ કહ્યું કે, સમાજ વિકાસના પંથે છે. આમ, જ્ઞાતિજન સમાજના વિકાસકામોની સાથે છે. ત્યારે સૌએ સાથ આપવો જોઈએ. ભુજ મંદિરના પૂર્વ મહંતો પુરાણી મોરલી મનોહરદાસજી સ્વામી, શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી ઘનશ્યામપ્રકાશ સ્વામી સહિતની સંત પરંપરાથી લઈ પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, સાંખ્યયોગી ફઈ સામબાઈ તથા ત્યાગી બહેનો સૌના સાથની જાહેર નોંધ લેવાઈ હતી.
૨૦૧૦માં રૂ. ૪.૫ કરોડના દાનથી જિલ્લાનું પ્રથમ એમ.આર.આઈ., ૨૦૧૮ ડિસેમ્બરમાં કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રૂ. પ કરોડના દાનથી કેથલેબ ભુજ મંદિર તરફથી અપાયાની વાત થઈ હતી. આ પ્રસંગે વરિષ્ઠ સંતો વીરન્નમુક્તદાસજી સ્વામી, માધવપ્રસાદ સ્વામી, દેવકૃષ્ણ સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી સહિત મોટું મંડળ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યું હતું. ઉપસ્થિતોનું ટ્રસ્ટના મંત્રી કેશરાભાઈ રવજી પિંડોરિયાએ યથોચિત સન્માન કરાવ્યું હતું.
આ પ્રસંગે દાતા પરિવારના સખાવતી નિર્ણયોમાં સામેલ કાકા અજુભાઈ ભુડિયા, કલ્યાણભાઈ ભુડિયા, ભીમજીભાઈ ભુડિયા, નારાણભાઈ હીરાણી (વાપ્કો), નારણભાઈ મેપાણી (સૂરજપર)ની વિશેષ નોંધ લેવાઈ હતી. જયંતીભાઈ વીરજી વરસાણી, અમદાવાદ સમાજના ઈશ્વર પુંજાણી, ભુજ સમાજના પૂર્વ મોભી વી. કે. પટેલ, કન્યા કેળવણીના ભીષ્મપિતામહ આર. આર. પટેલ, આર. એસ. હીરાણીને સભામાં બહુમાન અપાયું હતું. આ કાર્યક્રમમાં ભુજ સમાજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા, ટ્રસ્ટીઓ હરિભાઈ હાલાઈ, લક્ષ્મણ ભીમજી રાઘવાણી, ધનજી કરસન વરસાણી ‘દરબાર’, વેલજીભાઈ રામજી પિંડોરિયા (મિરજાપર), શિવજીભાઈ છભાડિયા, કે. ડી. પિંડોરિયા, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રૂ. ૪૦ કરોડના દાતા કે. કે. પટેલ (સામત્રા), કુરજીભાઈ નારદાણી (મોમ્બાસા), નારણ મનજી કેરાઈ, ઘનશ્યામભાઈ ટપ્પરિયા (વાપ્કો), દેવશીભાઈ હાલાઈ, વેલજી ઝીણા ગોરસિયા, ભુજ મંદિરના ઉપકોઠારી મૂરજીભાઈ સિયાણી, યુવા ટ્રસ્ટી જાદવજીભાઈ ગોરસિયા, માંડવી સમાજ પ્રમુખ માવજીભાઈ પિંડોરિયા, નાનજીભાઈ ગોરસિયા, દિનેશ પિંડોરિયા, પ્રકાશ રવજી કેરાઈ (ગાર્ડન ફ્રેશ-મોમ્બાસા) સહિતના આગેવાનો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. દાતા પરિવારના ભાનુબહેન, પુષ્પાબહેન, ધ્રુવ, કીર્તન, દર્શક, સૂરજ, યાશિકાની અનુપસ્થિતિની કાર્યક્રમમાં નોંધ લેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં જ્ઞાતિના ૩૪૬ તેજસ્વી તારલાઓના સન્માન થયા હતા. યુવકસંઘ પ્રમુખ મનજીભાઈ પિંડોરિયા, મંત્રી ગોવિંદભાઈ હાલાઈના નેજા હેઠળ તમામ કારોબારી સભ્યોએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. સમાજમંત્રી ગોપાલભાઈ વેકરિયા, પૂર્વ મંત્રી રામજી સેંઘાણી તથા સભ્યો, એજ્યુ મેડિ. ટ્રસ્ટના ઉપપ્રમુખ ડો. જે. કે. દબાસિયા તથા સભ્યોએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી. યોગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી રમેશભાઇ પિંડોરિયા ઉપસ્થિત હતા. મહિલા વિભાગમાં કાંતાબેન વેકરિયા, રમાબેન વરસાણી તથા સર્વે મહિલા સભ્યોએ સામૈયા, સન્માન, પહેરામણીનો દોર સંભાળ્યો હતો. ચોવીસી ગામોની રંગોળી, સામૈયું, કુમાર-કન્યા બેન્ડ પાર્ટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, નર્સિંગ કોલેજ, પાર્કિંગ વિભાગમાં કાર્યકર્તાઓની મહેનત દેખાતી હતી.
અમદાવાદી કચ્છી સમાજે પણ હસમુખ ભુડિયા તથા પરિવારનું સન્માન યોજ્યું હતું. એ સમયે કીર્તિ રામજી વેકરિયાએ દાતાના દાનને બિરદાવ્યું હતું.