અમદાવાદ: કચ્છમાંથી કેટલીય દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવતી હોય છે. કચ્છી ચોવીસી લેઉવા પાટીદારોની અંદાજે ૩૦૦થી વધુ દીકરીઓ અમદાવાદ અભ્યાસ માટે ઈચ્છા ધરાવતી હતી, પણ સુવિધાના અભાવે તેઓના અમદાવાદમાં વસવાટનો સવાલ તાજેતરમાં ઊભો થયો હતો. અમદાવાદમાં વધુ અભ્યાસ કરવા માગતી કન્યાઓના પ્રગતિશીલ શૈક્ષણિક ભવિષ્ય માટે કચ્છમાં આવેલા ફોટડીના મોમ્બાસા સ્થિત હસુભાઇ ભુડિયાએ દીકરીઓના પાલક પિતાનું સ્થાન લીધું હતું અને રૂ. ૨૩ કરોડનું દાન આપ્યું હતું. હસુભાઈ ભુડિયાના દાનમાંથી તૈયાર થયેલું અદ્યતન છાત્રાલય તાજેતરમાં ખુલ્લું મુકાયું હતું. આ છાત્રાલયનું નામઃકરણ ‘વેલીબહેન કાનજી ભુડિયા કન્યા - કુમાર સેવા સદન’ કરાયું છે. છાત્રાલયનું ઉદ્ઘાટન દાતા પરિવારના પ્રતિનિધિ દીપકભાઇ સેંઘાણીના હસ્તે કરાયું હતું. શાસ્ત્રી શૌનકમુનિએ છાત્રાલયની વાસ્તુપૂજન વિધિ કરાવી હતી. આ પ્રસંગે શાસ્ત્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, ભુજ મંદિરના આચાર્ય સૂર્યપ્રકાશદાસજી, અક્ષરવિહારી સ્વામી, પ્રભુજીવન સ્વામી આદિ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમાજના મોભી અરજણભાઇ પિંડોરિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક શીખ આપી હતી. અમદાવાદ સમાજના પ્રમુખ શિવજીભાઇ માવજી સિયાણીએ શૈક્ષણિક કાર્યોમાં જ્ઞાતિજનો સાથ આપે એવી ઇચ્છા દર્શાવતાં વેલીબહેન ભુડિયા પરિવાર અને કેશવલાલભાઇના સખાવતી કાર્યોને યાદ કર્યાં હતાં.
ભુજ સમાજના એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાએ નવા પ્રકલ્પોમાં સહયોગની ભલામણ કરી હતી. મંત્રી કેશરાભાઇ પિંડોરિયાએ સમાજના કાર્યો અને અમદાવાદની ટીમની મહેનતને બિરદાવી હતી.
કરશન રામજી ભુડિયાના શબ્દ સંકલન વચ્ચે ટ્રસ્ટના ઉપપ્રમુખ મેઘજીભાઇ ખેતાણીએ સૌનો આભાર માન્યો હતો. છાત્રાલયના દાન માટે દાતા અને દીકરીઓ વચ્ચે સેતુ સમાન ઇશ્વરભાઇ હીરજી પૂંજાણીનું વિશેષ સન્માન કરાયું હતું.
અમદાવાદ સમાજના મંત્રી કરશનભાઇ કાનજી રાઘવાણી, રવિભાઇ શામજી રાઘવાણી, કરશન પટેલ, નારાણભાઇ કરશન હાલાઇ, નલિનભાઇ ધનજી પાંચાણી, રવજી જાદવજી પટેલના નેતૃત્વમાં સ્થાનિક યુવક-યુવતીઓ, વિદ્યાર્થીઓ - વિદ્યારિથિનીઓની સહિયારી મહેમતથી કાર્યક્રમ સફળ બન્યાનો એકસૂર વ્યક્ત થયો હતો.
કાર્યક્રમમાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. ધીરેન શાહ, ડો. મિલન ચગ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુ. ચૌધરી ઉપસ્થિત હતા. ભુજ સમાજ વતી પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, મંત્રી ગોપાલ ભીમજી પટેલ, સહમંત્રી રમાબહેન વરસાણી, સ્વામીનારાયણ ટ્રાવેલ્સના દેવજીભાઇ જાદવજી છભાડિયા, પૂર્વ મંત્રી રામજી સેંઘાણી, યુવક સંઘ પ્રમુખ મનજી પિંડોરિયા, ઉપપ્રમુખ લક્ષ્મણ રાઘવાણી, મંત્રી ગોવિંદ હાલાઇ, સહમંત્રી કંચન વરસાણી, ખજાનચી વિનોદ માવજી પિંડોરિયા, ખીમજીભાઇ છભાડિયા, માંડવીના હીરજી પૂંજાણી, વાલજીભાઇ હાલાઇ, ભુજ સમાજ ટ્રસ્ટી શિવજી છભાડિયા, વિશ્રામભાઇ કેરાઇ, માંડવી લેવા પટેલ યુવક સંઘના જાગૃત પ્રમુખ વીરજીભાઇ છભાડિયા સહિતના વિવિધ આગેવાનોની કાર્યક્રમમાં હાજરી હતી. કચ્છી લેઉવા પટેલ સમાજ - અમદાવાદના સ્થાપકો પૈકીના માવજી રૂડા પાંચાણી, શિવજીભાઇ સિયાણી અને પટેલ ટૂર્સવાળા મેઘજીભાઇ ખેતાણી દ્વારા સમાજને પૂરા પડાતા પ્રોત્સાહનને વધાવવામાં આવ્યું હતું.