ભુજઃ વિશ્વના એકમાત્ર મોરચંગવાદક બન્નીના જરારવારીમાં રહેતા ૭૦ વર્ષીય સામત સાજન પઠાણ હવે ગાઈ પણ શકતાં નથી અને મોરચંગ પણ વગાડી શકતા નથી. તેમણે આર્થિક સહાય માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અરજી કરી હતી તો વારંવાર માંડવી સુધી તેમને ધક્કા ખાવા પડતા હતા. મીડિયામાં આ વાતને વાચા મળતાં ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી તરફથી તેમને હાલમાં રૂ. બે લાખનો ચેક અર્પણ કરાયો છે. સામતની બે વિધવા દીકરીઓને સાસરિયા સામત પાસે મૂકી ગયા હોવાથી વૃદ્ધ પત્ની અને પુત્રીઓની જવાબદારીએ આ કલાકારને બેવડો વાળી દીધો હતો.
જોકે ચેક મેળવ્યા પછી સામત કહે છે કે, દેશભરના લોકો બેંકોમાં લાઇન લગાવી પોતાના પૈસા જમા કરાવવા કે કઢાવવા કે બદલાવવા ઊભા હતા એ જોઇને મને ઈર્ષા થતી હતી, પણ હું એ જ લોકો સાથે ગૌરવપૂર્વક લાઇનમાં ઊભો રહીને ચેક જમા કરાવીશ.