માંડવીઃ યમનમાં તાજેતરની ‘અલ અસમાર’ વહાણની દુર્ઘટનામાં લાપતા મનાયેલા ખલાસી ઇમરાન અલીમામદ શબદિયા (નારેજા)ના મૃતદેહની ઓળખ પાંચ સહ ખલાસી દ્વારા થતાં ૨૬ સપ્ટેમ્બરે તેની વિધિવત રીતે ત્યાં જિયારત વિધિ થઇ હતી. સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના પ્રમુખ હાજી નૂરમામદ હાજી હુસેન સાંગાણીના જણાવ્યા મુજબ આ અગાઉ હતભાગી ચાર પૈકી ત્રણની ઓળખ છતી થતાં ઇમરાન અલીમામદને લાપતા મનાયો હતો. જોકે, વણઓળખાયેલી લાશ સહિત ચારેય લોકોની દફનવિધિ યમનમાં થઇ ગઇ હતી. ગત સપ્તાહે પરત ફરેલા પાંચ ખલાસીઓએ ન ઓળખાયેલી લાશ બદનસીબ ઇમરાનની હોવાનું પ્રસ્થાપિત કરાવતાં હાજી હસન મસ્જિદ ખાતે જિયારત પૂર્ણ કરાઇ હતી. આમ યમનમાં એક વધુ કચ્છીનું મોત થયું છે.
૧૩ કંપનીઓએ રૂ. ૧.૯ર અબજની વેટ ચોરી કરીઃ ગાંધીધામમાં વિવિધ કંપની અનેક દુકાનદારોએ રૂ. ૧.૯૨ અબજનો વેચાણ વેરો ન ભરતા તેની સામે પોલીસ ફરીયાદ દાખલ થઈ છે. કુલ ૧૩ કંપનીઓ અને તેના સંચાલકો સામે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયાની ફરીયાદ નોંધાઈ છે. આ તમામ વેપારીઓ તથા કંપનીઓ અત્યારે બંધ હાલતમાં છે. અથવા તે સ્થળે અન્ય કંપનીઓ શરૂ થઈ ગઈ હોવાનું પણ બહાર આવ્યું છે.