યમનમાં તાજેતરની ‘અલ અસમાર’ વહાણની દુર્ઘટનામાં લાપતા મનાયેલા ખલાસી ઇમરાન અલીમામદ શબદિયા (નારેજા)ના મૃતદેહની ઓળખ પાંચ સહ ખલાસી દ્વારા થતાં ૨૬ સપ્ટેમ્બરે તેની વિધિવત રીતે ત્યાં જિયારત વિધિ થઇ હતી. સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના પ્રમુખ હાજી નૂરમામદ હાજી હુસેન સાંગાણીના જણાવ્યા મુજબ આ અગાઉ હતભાગી ચાર પૈકી ત્રણની ઓળખ છતી થતાં ઇમરાન અલીમામદને લાપતા મનાયો હતો. જોકે, વણઓળખાયેલી લાશ સહિત ચારેય લોકોની દફનવિધિ યમનમાં થઇ ગઇ હતી. ગત સપ્તાહે પરત ફરેલા પાંચ ખલાસીઓએ ન ઓળખાયેલી લાશ બદનસીબ ઇમરાનની હોવાનું પ્રસ્થાપિત કરાવતાં હાજી હસન મસ્જિદ ખાતે જિયારત પૂર્ણ કરાઇ હતી. આમ યમનમાં એક વધુ કચ્છીનું મોત થયું છે.
• માતાના મઢમાં ૧૨ ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવઃ કચ્છમાં માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના સ્થાનકે ૧૨ ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. તે દિવસે ૭-૪૫ કલાકે ઘટનું સ્થાપન થશે. ૧૩ ઓક્ટોબરથી નવરાત્રિ પ્રારંભ થશે. જ્યારે ૨૦ ઓક્ટોબરે મંગળવારે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને રાત્રે ૧-૪૫ કલાકે હવનમાં બીડું હોમશે. ૨૧ ઓક્ટોબરે રાજ પરિવાર તથા ભાયાતો આમંત્રિત મહેમાનોની હાજરીમાં રાજવી કચ્છના મહારાજ પ્રાગમલજી (ત્રીજા) આશાપુરા માતાજીને જાતર (પત્રી) સવારે ૮ કલાકે ચઢાવશે. માતાજીના દર્શને ગામે ગામથી સંઘો ઉમટી પડશે. ભાવિકોને વિનામૂલ્યે રહેવા- જમવાની સગવડતા પૂરી પડાશે.