ભૂજ: યમન પર સઉદી અરેબિયા દ્વારા થયેલા હવાઈ હુમલામાં કચ્છ અને જામ સલાયાનાં બે વહાણ નિશાન બનાવ્યાના સમાચારથી દરિયા ખેડૂઓમાં ભય વ્યાપ્યો છે. ૫૦૦ ટનની ક્ષમતાવાળું વહાણ ૧૧ ખલાસીઓ સાથે થોડા દિવસ પહેલાં ખાદ્યસામગ્રી ભરીને સોમાલિયાથી સલાલા જઈ રહ્યું હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. જેમાં ચાર ખલાસી લાપતા થયા છે જોકે, તેમનાં મોતની આશંકા છે.
મોટા સલાયાના થૈમ પરિવારના ફાતીમા મોહસીન થૈમ (હાજી ઈશા સિધિક પટેલ-પટા શેઠ પરિવાર)ની માલિકીનું અલ અસમાર કોબા વહાણ યમન નજીક નિશાન બન્યું હતું. આ ઘટનામાં બચી ગયેલા સાત ઘાયલોને યમનના હોદૈદાહ શહેરમાં પોલીસે આશરો આપીને, નિવેદનો સાથે સારવાર ઉપલબ્ધ કરાવી હોવાનું જાણવા મળ્યુ હતું. ઓઇલ તસ્કરી માટે કુખ્યાત આ વિસ્તારમાં આરોપીઓને નિશાન બનાવવાના ઈરાદે આ હવાઈ હુમલા થયા હોવાનું કહેવાય છે. ઉપરાંત આ વહાણ સાથે જામસલાયાનું ‘રામરતન’ વહાણ પણ ભોગ બન્યું હોવાના અહેવાલ છે. વૈશ્ર્વિક મંદીના સમયમાં મહાકાય સ્ટીમરોની યાતાયાતથી પરંપરાગત વહાણ ઉદ્યોગને ગંભીર ફટકો પડ્યો છે ત્યારે આવી દુર્ઘટનાઓએ દરિયાઈ સાહસિકોની ચિંતા વધારી છે. વહાણ પર હુમલાના સમાચાર માંડવી તેમ જ જામસલાયામાં પહોંચતા ગુમ થયેલા ખલાસીઓના પરિજનોએ તેમની સલામતી માટે બંદગી શરૂ કરી છે.