કચ્છ: યાયાવર પક્ષીઓ સુરખાબે ખડીરમાં નવી વસાહત સ્થાપી છે. વન વિભાગ આ વિસ્તારને હવે વિકસિત કરશે. તેવા અહેવાલ છે. છેલ્લા કેટલાય સમયથી રાપર તાલુકામાં કુડા નજીક સરહદી વિસ્તારમાં લાખો સુરખાબ પ્રજનન માટે આ રણ વિસ્તારમાં આવે છે. એશિયાની સુપ્રસિદ્ધ ફ્લેમિંગો સિટી અંડાબેટથી પણ ઓળખાય છે જે મુખ્ય સાઈટ છે. કુડા એ કચ્છમાં લેસર ફ્લેમિંગોની (નાનો હંજ) નવી વિકસી રહેલી વસાહત છે.
આ મુદ્દે પૂર્વ કચ્છ વન વિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરે જણાવ્યું કે, આ વિસ્તારમાં હાલ વન વિભાગનો સ્ટાફ સુરખાબ વસાહતમાં પાણીના સેમ્પલ લઇ આ મુદ્દે સંશોધન કરશે. આ સાથે જ સુરખાબ માટે સુરક્ષિત સાઈટ નિર્માણ અંગેનો પ્રસ્તાવ પણ રાજ્ય સ્તરે મોકલી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ વન પ્રધાન ગણપતસિંહ વસાવા પોતે સુરખાબોને નિહાળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા ત્યારે વન વિભાગના પ્રયાસો ફલિત થાય તેવા ઉજળા સંકેત જોવામાં આવી રહ્યાં છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ પણ સુરખાબની સંભાળ રાખે છે કારણ કે બીએસએફની મંજૂરી વગર અહીં ચકલુંય ફરકી શકે તેમ નથી. શાંતિસભર માહોલ સુરખાબને અપાય છે જેથી તેને ખલેલ ઓછી પહોંચે છે. જોકે કેટલાય ઈંડાઓનું રણમાં પાણીનું અતિક્રમણ થતાં ધોવાણ થયું હોવાના પણ અહેવાલ છે.