જર્મની, બ્રિટન, આફ્રિકા, અમેરિકાના પડકારભર્યા સ્થળોએ સાહસ કરીને કચ્છના શારીરિક-માનસિક અક્ષમ બાળકો માટે ફંડ એકત્ર કરનારા ફ્રેન્ડઝ ઓફ કેરાએ પ્રથમ વખત કચ્છમાં ૨૦ ડિસેમ્બરના રોજ કેરાથી માધાપર ચેરિટી વોકનું નવતર આયોજન કર્યું હતું. આ કાર્ય માટે આશરે ૪૦ સભ્યોની ટીમ વિદેશથી માદરે વતન કચ્છ આવી ચૂકી હતી. ફ્રેન્ડઝ ઓફ કેરાના સંયોજક કિશોર નારદાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, અમે નવચેતન અંધજન મંડળ માધાપરના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સવારે ૮ વાગ્યે કેરાથી નીકળી સાંજે ચાર વાગ્યાની આસપાસ માધાપર નવચેતન પરિસરમાં તેઓ પહોંચ્યા હતા. ચેરિટી વોકમાં સંચિત ફંડથી ૨૫મી ડિસેમ્બરના રોજ કપિલકોટ મેદાનમાં આયોજિત આનંદમેળામાં જિલ્લાના એક હજાર પંગુ બાળકોને સાધન-સામગ્રી અને જીવન જરૂરિયાતના ઉપકરણ ખરીદી આપવા વપરાશે.
• માંડવી સુધરાઇના સુકાની પદે મહિલા આરૂઢઃ આ બંદરીય નગર સેવા સદનના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ૨૦ ડિસેમ્બરના રોજ યોજાયેલી ચુનાવી પ્રક્રિયા અંતે નગર અધ્યક્ષા તરીકે સુજાતા મનુભાઇ ભાયાણી અને ઉપપ્રમુખ પદે નરેન રવિલાલ સોની ભારે બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા. એક દાયકા બાદ અનિવાર્ય બનેલી ચૂંટણીમાં ૩૬ના જનરલ બોર્ડમાં સત્તા પક્ષ ભાજપાના ઉમેદવારોને ૨૩ જ્યારે વિપક્ષ કોંગ્રેસના પ્રતિસ્પર્ધીઓને ૧૩ મતો મળ્યા હતા. મહિલા અધ્યક્ષા તરીકે વરાયેલા પ્રમુખે શહેરને રળિયામણું અને સાફસૂથરું બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરીને હકારાત્મક નાગરિક સહયોગની અપેક્ષા રાખી હતી.
• કુપવાડા સીમાએ કચ્છી જવાને નાપાક આતંકીને જેર કર્યાઃ ૨૦મી ડિસેમ્બરની રાત્રિએ પાકિસ્તાનની સરહદે નજીક આવેલા કૂપવાડા જિલ્લાના જંગલોમાં બહાદુર કચ્છી જવાન હરજીભાઈ ગઢવીએ પાકિસ્તાનથી આવેલા એક આતંકવાદીને જેર કર્યો હતો અને બીજાને સાથીઓના સંગાથે જીવતો પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.