મુંબઈઃ કચ્છના અને યુએસમાં સ્થિત ગુજરાતી પર્ફ્યુશનિસ્ટ અને ઈસીએમઓ સ્પેશિયાલિસ્ટ જ્યોતિ ધરોડ ગાલાએ તાજેતરમાં મુંબઈમાં આવેલા દહીંસરમાં ઘૂંટણની બીમારીથી પીડિત દર્દીઓની સારવાર કરી હતી. ઘૂંટણના દુખાવાથી પીડાતા દરદીઓની સ્ટેમસેલ પદ્ધતિથી સારવાર પણ આ કેમ્પમાં કરાઈ હતી. અમેરિકાના પર્ફયુશનિસ્ટ (ક્લિનિકલ પ્રોફેશન) અને ‘મહાવીર જ્યોત’ દ્વારા આ બીજી ઘૂંટણ શિબિરનું આયોજન કરાયું હતું. દહીંસરમાં આવેલી નવનીત હાઇટેક હોસ્પિટલમાં આ કેમ્પ યોજાયો હતો.
ત્રણ દિવસની આ શિબિરમાં વિવિધ સંપ્રદાયનાં સાધુ-સાધ્વીજીઓ સહિત કુલ ૮૨ ઘૂંટણની સારવાર અપાઈ હતી. આ કેમ્પમાં સૌથી નાની વયના દર્દી ૪૨ વર્ષના હતા અને સૌથી મોટી વયના દર્દીની ઉંમર ૮૮ વર્ષ હતી. સાયન્ટિસ્ટ જ્યોતિ ધરોડ ગાલાએ આ કેમ્પ વિશે જણાવ્યું હતું કે, આ સારવારમાં ૧૫૧ સ્ટેમસેલનો ઉપયોગ થયો હતો, જેમાં ૮૩ બ્લડ સ્ટેમસેલ અને ૬૮ બોનમેરો સ્ટેમસેલનો સમાવેશ થયો હતો. ઘૂંટણની સારવાર અંગે મેં સંશોધન અને રિસર્ચ કર્યાં છે તેના દ્વારા પણ આ કેમ્પમાં દર્દીઓને સારવાર અપાઈ હતી. મારી સાથે એક્સપર્ટ ડોક્ટર્સ, એનેસ્થેસ્ટિસ્ટ અને નર્સની ટીમે પણ કામગીરી બજાવી હતી. આ કેમ્પમાં હાથમાંથી લોહી લઈને અને ઘૂંટણ પાસે ટીબીયામાંથી બોનમેરો લઈને પણ કેટલાક દર્દીઓને સારવાર અપાઈ હતી. આ શિબિરમાં ડો. શેટ્ટી, ડો. મિસિસ માંડકે, ડો. દીક્ષિત, પ્રો. ઉપેન સાવલા, કૃપાલી શાહ, સિસ્ટર મોની, નેમજીભાઈ ગંગર, સુનીલ સિંઘ, મહેન્દ્રભાઈ સંગોઈ, ભરત ગાલા નીતિન સત્રા, મનોજ શાહ, જીતુભાઈ દેઢિયા, પ્રતીક્ષા ખોના વગેરેએ સહયોગ આપ્યો હતો. નહીં નફાના ધોરણે યોજાયેલા આ કેમ્પમાં દરદીઓ પાસેથી સારવારની બેઝિક કોસ્ટ લેવાઈ હતી. જૈન સાધુ-સાધ્વીજીઓની સારવાર વિનામૂલ્યે કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઘૂંટણની સારવાર માટે પ્રથમ શિબિર કચ્છમાં યોજાઈ હતી. ત્યાં કુલ ૫૫ ઘૂંટણની સારવાર કરાઈ હતી. દરદીના શરીરના લોહી, બોનમેરો વગેરે વડે સ્ટેમસેલ પદ્ધતિથી ઇંજેક્શન આપીને ઘૂંટણની સારવાર કરતાં જ્યોતિ ધરોડ ગાલા અમેરિકામાં એકમાત્ર કચ્છી ચીફ પર્ફ્યુશનિસ્ટ છે અને `એકમો'ના સ્પેશિયાલિસ્ટ છે. તેમણે પોતાના ક્ષેત્ર ઉપરાંત `સ્ટેમસેલ પદ્ધતિ'ની સારવારમાં વૈજ્ઞાનિક રીતે સંશોધન કરીને નિપુણતા પ્રાપ્ત કરી છે. તેઓ પત્રીના કેસરબહેન નાનજીભાઈ ધરોડની દીકરી અને ગામ સાડાઉના ઇલેક્ટ્રોનિક એન્જિનિયર મોહિત લક્ષ્મીચંદ ગાલાનાં જીવનસંગિની છે.