ભૂજઃ બિદડા સર્વોદય ટ્રસ્ટ તાજેતરમાં વિદેશવાસી બે કચ્છી દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર દ્વારા ભૂકંપગ્રસ્ત દર્દીઓને આજદિન સુધી વિનામૂલ્યે મેડિકલ, સર્જિકલ અને પુર્નવસન સારવાર આપવામાં આવે છે. ૨૦૦૧ના ભૂકંપના પેરાપ્લેજિક દર્દી માયાબહેન સોલંકી અંજારમાં પોતાની ૧૩ વર્ષની પુત્રી સાથે રહે છે. તેમણે પોતાની આર્થિક જરૂરિયાત માટે સેન્ટરમાં રજૂઆત કરી હતી. આથી ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ માયામી અમેરિકાથી કેમ્પની મુલાકાતે આવેલા કચ્છી દંપતી પીટર ભેદા અને ડોરથી ભેદા પાસે આ રજૂઆત કરતાં આ દંપતીએ માયાને આર્થિક સહાય આપી હતી, એ બદલ ટ્રસ્ટ દ્વારા દંપતીનું સન્માન થયું હતું. યુકેથી આવેલા ડો. મૃદુલાબહેન શાહ તથા ડો. વિક્રમ શાહ પણ દર વર્ષે કેમ્પમાં આવી સેવાઓ આપે છે અને જરૂરી સાધનોની સહાય કરે છે, એ બદલ તેમનું પણ સેન્ટર વતી સન્માન કરાયું હતું.
કચ્છ સરહદે પાક. સેનાની ગતિવિધીમાં વધારોઃ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ઉચ્ચ અધિકારી સંતોષ મહેરાએ પાકિસ્તાન સાથે જોડાયેલા કચ્છના રણ વિસ્તારના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે, કચ્છના રણ સાથે જોડાયેલા પાકિસ્તાનના વિસ્તારમાં કેટલાક જગ્યા પર પાકિસ્તાનની ફિલ્ડ એક્ટિવિટિઝ વધી ગઈ છે. જોકે તેમણે આ અંગે વધુ કંઈ જણાવવાનો ઈન્કાર કર્યો હતો, કારણ કે આવી બાબત ગોપનીય હોય છે. તાજેતરમાં કચ્છમાં મોટાપાયે હાઈડ્રો કાર્બન અને મિનરલ્સ મળી આવ્યા છે અને આર્થિક દૃષ્ટિએ કચ્છનું મહત્ત્વ વધ્યું છે. મહેરાએ જણાવ્યું હતું કે કચ્છ સાથેના પાકિસ્તાની વિસ્તારોમાં પ્રવૃત્તિ વધવાથી આપણા સુરક્ષા કર્મીઓની સમગ્ર વિસ્તાર પર બાજ નજર છે. કચ્છના ભારતીય ભાગમાં પ્રાકૃતિક સંસાધનો મોટાપાયે મળી આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની મેક ઈન ઈન્ડિયા નીતિ અને તાજેતરની વાયબ્રન્ટ ગુજરાત સમિટ બાદ અમારી પાસે એનઓસી માટે અનેક અરજીઓ આવી છે.
વીરાયતન સંસ્થાને રૂ. ૬૨ લાખનું દાનઃ ભૂજ તાલુકાનાં રુદ્રાણી ગામે આવેલી વીરાયતન સંસ્થા સંચાલિત શાળામાં અમેરિકાની સેવાભાવી સંસ્થા ડાયમંડ એમ્પાવરમેન્ટ ફંડ (ડીઈએફ) દ્વારા વીરાયતનને ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે એક લાખ ડોલર એટલે અંદાજે રૂ. ૬૨ લાખ રૂપ્યાના દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે વીરાયતન ઇજનેરી કોલેજના નિરાલી અને પ્રતીક નામના બે વિદ્યાર્થીને તેમના ખર્ચે અને વિઝાથી અમેરિકા લઈ જવાની અને ભવિષ્યમાં પણ તેજસ્વી વિદ્યાર્થીઓનો અભ્યાસ આર્થિક કારણોસર ન અટકે તે માટે સહયોગની તૈયારી દર્શાવી હતી. અમેરિકામાં હીરાના વ્યાપાર સાથે જોડાયેલી હસ્તીઓ દ્વારા સેવાકીય હેતુ સાથે રચાયેલા સંગઠનના સીનિયર એડવાઇઝર ડો. બેન્જામીન કાવીસ અને વાઈસ પ્રેસિડન્ટ નેન્સી ઓરેમ લિમેને વીરાયતન દ્વારા તદ્દન મફત ચલાવાતી રુદ્રાણી શાળાની અને માંડવી નજીક જખણિયામાં ચાલતી શાળા અને વિવિધ કોલેજોની મુલાકાત લીધી હતી.
કચ્છમાં ટેન્કરથી પાણી પહોંચડવાનો તંત્રનો નિર્ણયઃ સરહદી જિલ્લા કચ્છમાં ઉનાળાના પ્રારંભની સાથે જ પાણીની પારાયણ શરૂ થઇ છે. ચોમાસામાં ઓછા વરસાદને કારણે શિળાયાથી લોકો પાણી અને ઘાસચારા માટે વલખા મારી રહ્યા છે. આ સંજોગોમાં કચ્છના રસ્તા પર પાણીના ટેન્કરો દોડતા જોવા મળે છે. અગાઉ કચ્છમાં ૫૭ ટેન્કરોથી પાણી પૂરું પડાતું હતું, પરંતુ હવે ૧૧૦ ટેન્કર વડે પાણી પહોંચાડવા તંત્રએ કવાયત હાથ ધરી છે. જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની સંભવિત તંગીવાળાં ૧૫૦ ગામ અને ૫૯ પરા માટે આ ટેન્કરો દ્વારા પીવાનું પાણી પહોંચાડાશે. ગુજરાતને પીવાના પાણીના ટેન્કરથી મુક્ત બનાવ્યું હોવાના સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે.