ભુજ: યુકેમાં વસતા ૩૪ ભારતીય સાઇકલ સવારોએ તાજેતરમાં દિલ્હીથી અમૃતસરની ૪૮૧ કિમી સાઇકલયાત્રા કરીને આશરે ૧.૩૧ લાખ પાઉન્ડનું દાન એકત્ર કર્યું હતું. આ દાનનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ માટે કરવાનો નિર્ધાર યુવાનોએ કર્યો હોવાનું જણાવ્યું હતું. આ ગ્રૂપમાં મહિલાઓ પણ સામેલ છે. યુકેનાં પ્રથમ શીખ ચેરિટી ઓર્ગેનાઈઝેશન - નિષ્કામ સ્વાટ દ્વારા ઘરવિહોણા લોકો માટે શેરીઓમાં ‘લંગર’ શરૂ કરાયું હતું. આ સંસ્થાનો હેતુ સ્થાનિક જરૂરિયાતમંદ લોકોના જીવનમાં બદલાવ લાવવાનો છે અને દાન એકત્ર કરીને આર્થિક વંચિતોને મદદ કરવાનો છે.
શિશુકુંજ (યુકે) બાળકો માટેની સખાવતી સંસ્થા છે. ૩૦ વર્ષથી લંડનમાં કાર્ય કરતી આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબ બાળકોની તંદુરસ્તી, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કાર્ય કરે છે. આ બંને સંસ્થાઓને મદદ કરવા કચ્છી સહિતના સાઇકલ સવારોએ ૧.૩૧ લાખ પાઉન્ડ (અંદાજે રૂ. સવા કરોડ) એકત્ર કરીને સંસ્થાઓને દાન આપ્યા છે. આ કાર્યક્રમ એમએમડી ટુડેના આયોજકો પૈકીના કચ્છના કેરા ગામના પ્રકાશ પટેલે કહ્યું કે, આ પડકારજનક યાત્રામાં સાઇકલયાત્રીઓની ટીમ, મદદમાં રહેનારા વાહનો, મેડિકલ ટીમ, દિલ્હી અક્ષરધામ અને ભુજના સ્વામીનારાયણ સંતોએ ઉમદા સહયોગ આપ્યો હતો અને અમે તેમના આભારી છીએ. અગાઉ આ જૂથે મુંબઇની રૂપજીવિનીઓનાં બાળકો માટે કામ કરતી સંસ્થાને મદદ કરવા ભુજથી અમદાવાદની સાઈકલયાત્રા કરી હતી. એ પછી જૂનાગઢથી ભુજ સુધી સાઇકલયાત્રા યોજી હતી. લંડનનિવાસી પ્રકાશ દેવરાજ હાલારિયા (પટેલ)એ જણાવ્યું હતું કે, આયોજકોને તમામ દાતાઓ અને કોર્પોરેટ પ્રાયોજકો દ્વારા ત્રણેય સાઈકલયાત્રા થકી કુલ ૩.૫૦ લાખ પાઉન્ડ (અંદાજે રૂ. સવા ત્રણ કરોડ) દાન મળ્યું હતું.