ભુજઃ ભારતીય ફૌજની બહાદૂરી તો જગજાહેર છે, પણ અર્ધલશ્કરી દળો અને પોલીસમાં પણ કેટલાય શૂરવીર છે એની ગવાહી ૧૯૬૫માં કચ્છની સરહદે પાકિસ્તાનને પરાસ્ત કરનારા યુદ્ધમાંથી મળી રહે છે. આંતરરાષ્ટ્રીય રણ સરહદે સરદાર ચોકી, વીઘાકોટ, છાડબેટ, હનુમાનમઢીમાં સામે પાકિસ્તાનની આખી લશ્કરી બ્રિગેડ હતી, જ્યારે તેની સામે આપણા સીઆરપીએફ અને એસઆરપીના ૨૦૦થી ૨૫૦ જવાન હતા. તોપની ગોળાબારી, રાઇફલો અને બોમ્બના ધડાકાથી સરહદ ગાજી ઉઠી હતી. ૯મી એપ્રિલે આપણા બહાદુર જવાનોએ એક રાતમાં પાકિસ્તાનની ફોજના ૩૪ સૈનિકોને ઢાળી દઇને આપણી સરદાર ચોકી જાળવી રાખીને ઇતિહાસ સર્જી દીધો હતો. જોકે કેન્દ્ર સરકારની નિર્માલ્ય નીતિઓને લીધે આ જંગમાં આખરે ભારતે છાડબેટ ગુમાવવું પડ્યું હતું. સીઆરપીએફના જવાનોએ ૯ એપ્રિલ ૧૯૬૫માં સરદાર ચોકી જાળવી રાખીને ઇતિહાસ સર્જયો હતો, છતાં સીઆરપીએફ દ્વારા શૌર્ય દિનની ઉજવણીનો આરંભ ૨૦૦૨થી કેમ થયો? સાચી વાત એ છે કે, ૬૫ પછી ૭૧ના યુદ્ધમાં ભારતે જબ્બર વિજય હાંસલ કર્યો તેના લીધે રણ સંગ્રામ સહિતની વીરતાથી ભરેલી કથાઓ વિસરાઇ ગઇ. પણ, ૨૦૦૧માં સીઆરપીએફે નવી પહેલ કરીને રણ યુદ્ધના પ્રથમ દિવસનું દસ્તાવેજીકરણ કર્યું અને બીજા વર્ષથી શૌર્ય દિન મનાવવાનું નક્કી કર્યું જે આજે પણ મનાવાય છે.
પાક. સૈનિકો સાથીઓની લાશો મૂકી ભાગ્યા
સરદાર પોસ્ટ પર ભારતીય જવાનો પાસે દારૂગોળો ઓછો થતો જતો હોવાથી ઇરાદાપૂર્વક ગોળીબાર બંધ કર્યો અને દુશ્મનોને વધુ નજીક આવવા દીધા. સમગ્ર ચોકી પર મોત જેવો સન્નાટો છવાયેલો હોવાથી પાકિસ્તાનીઓને લાગ્યું કે, ચોકી પરના સૈનિકો માર્યા ગયા છે, માટે જેવા ૨૦ નાપાક જવાનો આગળ વધ્યા કે, ભારતીય ચોકી પરથી મશીનગનો ધણધણી ઉઠી અને તમામ મોતને ઘાટ ઉતર્યા. તો બીજી તરફ ચોકીની પાછળની બાજુએથી હુમલો કરનાર ૧૪ પાકિસ્તાનીઓને પણ ભારતીય જવાનોએ ઢેર કરી નાખ્યા હતા.
યુદ્ધના હયાત સિપાહી સાથીઓનાં શબ લાવ્યા હતાં
ભુજમાં રહેતા ભાણજીભા જાડેજા ૧૯૬૫ના યુદ્ધના કચ્છના એક માત્ર હયાત એસઆરપી જવાન છે. એપ્રિલ મહિનાની બળબળતી બપોરે સરહદે શહિદ થયેલા સાથી જવાનોના શબ જીપમાં ખાવડા સુધી લાવનારા આ બહાદૂર (તત્કાલિન) કોન્સ્ટેબલ કહે છે કે, ‘હું ને મારા ઉપરી સરદાર કપુરસિંગ છાડબેટમાં શહિદ થયેલા જવાનના મૃતદેહને જીપમાં પાછળ ગોઠવીને પ્રખર તાપમાં ધુળિયા રણને ચીરીને નીકળી પડ્યા. લગભગ ૬૦ કિમીનું અંતર કાપ્યા પછી મને ખાવડા નજીકના કોટડામાં ઉતાર્યો. કપુર સાહેબ બાદમાં ત્રણે મૃતદેહને લઇને ભુજ પહોંચ્યા, જ્યાં લશ્કરી અદબ સાથે સેંકડો લોકોની અશ્રુભીની આંખો વચ્ચે વીર જવાનોના ભુજ ખાતે અંતિમ સંસ્કાર કરાયા. એ દિવસે ભૂખ-તરસ બધું જ ભૂલાઇ ગયું હતું. રણનો તડકો ખાધો અને આંખોથી રણના મૃગજળને પીધું!’