નિરોખા (નખત્રાણા)ઃ ઉત્તર કચ્છમાં રણ અને દક્ષિણ દિશામાં ડુંગરોની લાંબી હારમાળા વચ્ચે પથરાયેલા જાણીતા પાવરપટ્ટી વિસ્તારમાં અંદાજે છેલ્લા ૨૦ વર્ષથી ભૂગર્ભ જળની સપાટી ચિંતાજનક ઊંડે જતાં ખેતી પર જોખમ ઊભું થયું છે. અધુરામાં પૂરું પાણી પણ ક્ષારયુક્ત બની જતાં પાકને નુકસાન થઇ રહ્યું છે. જો આવી પરિસ્થિતિ રહી તો ખેતીના વ્યવસાયમાં મોટું નુકસાન જશે તેવું માનીને સ્થાનિકો હિજરત કરી અન્ય સ્થળે જતાં પંથકમાં અનેક ગામો ખાલીખમ બન્યા છે. અહિથી નિકળેલા ખેડૂતો નાછૂટકે અન્ય વિકલ્પ શોધી રહ્યા છે. કેટલાક લોકો પોતાની જમીનો વેચી અન્યત્ર ખેતી માટે ભટકી રહ્યા છે. કનફટા સિદ્ધનાથ યોગીઓની જાહોજલાલીવાળી થાન જાગીરના તાબા હેઠળનો
આ પંથકનું રતામિયા પ્રાચીન ગામ છે. જાગીરના રતનનાથ યોગીના નામ સાથે વણાયેલા આ ગામ નજીક વિક્રમ સંવત ૨૦૦૫માં ઉલટ ડેમના નિર્માણ પછી ખેતીમાં ભારે લાભ જાણી ધાવડા, વિથોણ, વિરાણી, દેવીસર સહિતના ગામોમાંથી ૨૫ જેટલા પરિવારો સેંકડો એકર જમીન ખરીદી ખેતી કરતા હતા. શરૂઆતમાં નવા ડેમની સિંચાઇની સુવિધાથી ખેતીમાં વૃદ્ધિ થતી હતી. રતામિયા સમૃદ્ધ ગામ બનતા તેને સ્વાયત્ત ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો હતો અને ગામની આસપાસના હીરાપર, ઉલટ, ગોધિયાર, ચંદ્રનગર સહિતના ગામોનું પંચાયતી પ્રતિનિધિત્વ ધરાવતું હતું. પૂરતું પાણી મળી રહેતાં ખાસ કરીને રવી મોસમના ઉત્પાદનમાં ખેડૂતો ખુશ હતા. પછીથી ડેમની આજુબાજુની અન્ય જમીનો ખુલ્લી થઇ ખેડવાણમાં ફેરવાતાં ડેમ હેઠળ પિયત વિસ્તાર વધવા લાગ્યો. ધીમેધીમે પિયતની સુવિધા ઘટતાં ખેતી ખીલવાને બદલે મૂરઝવા લાગી. વળી અધૂરામાં પૂરું જમીનમાં તળ ઊંડા જતા ખેતીને નુકસાન થતું હતું. ખેડૂતો પણ સમય જોઇને બહાર નિકળવા વાગ્યા.