વીઘાકોટ સરહદે કાંટાળી વાડ પાસે ૧૪મીએ પાકિસ્તાની યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરમી, ભૂખ અને તરસથી તેનું મૃત્યુ થયાની શંકા છે. મૃતકની ઓળખ થઈ નથી અને પાક. સુરક્ષા દળે યુવકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે તો બીજી તરફ ભારતીય સીમા સુરક્ષા દળે ૧૪મીએ બપોરે એક પાકિસ્તાની આધેડને ભારતમાં ઘૂસતાં ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ કોટેશ્વરથી માત્ર ૩૫ કિલોમીટરના અંતરે ૧૮ માછીમારો બે બોટમાં ભારતની સરહદમાં ઘૂસી આવ્યા હતા.
• દુર્ગાપુરમાં પાટીદાર સનાતન વાડીનું લોકાર્પણઃ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ-દુર્ગાપુર દ્વારા રૂ. બે કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પાટીદાર ભવનનું સાતમી મેએ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સવારે વાજતે-ગાજતે સંતોનું સામૈયું થયા બાદ દાતાઓના હસ્તે હોલ, રૂમ, રસોડા, ભોજનાલય, ઓફિસ સહિતનું લોકાર્પણ થયું હતું.
• ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડીનું લોકાર્પણઃ તાજેતરમાં વાગડ ઔદિચ્ય બ્રહ્મ સમાજવાડીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી રૂ. ૫,૦૦,૦૦૦ના ખર્ચે સામખિયાળીમાં કોમ્યુનિટી હોલ બનાવાયો છે જેનું બાંધકામ પૂર્ણ થતાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબહેન છાગાના હસ્તે હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
• પાટીદાર કુટુંબ મિલનમાં રૂ. ૩૫ લાખનું દાનઃ તાજેતરમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર ઉકાણી, ભોજાણી, ખીમાણી, લાખાણી પરિવારો દ્વારા કચ્છના દાદા મંદિર સંકુલ ખાતે વિશાળ મિલન અને નૂતન કાર્યાલય, અતિથિ ભવનનો વાસ્તુ પૂજનનો ત્રિદિવસીય સમારંભ યોજાયો હતો. જેમાં દેશ વિદેશથી સમાજના લોકો હાજર હતા અને વિવિધ ચડાવામાં રૂ. ૩૫ લાખથી વધુના દાનની જાહેરાતો થઈ હતી તેમજ ઉપસ્થિત આગેવાનોએ સમાજની એકતા, સંગઠન અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો.