નખત્રાણા: કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિ, તળપદી જીવનશૈલી, ટેરવાના સ્પર્શથી વિશ્વ પ્રસિદ્ધ હસ્તકલા-કારીગરી તેમજ વૈવિધ્યસભર ભૌગોલિક ભૂપૃષ્ઠથી દેશી અને વિદેશી સહેલાણીઓને આકર્ષવાની અનોખી નેમ સાથે રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા છેલ્લા એક દાયકાથી શરૂ કરાયેલા રણ વચાળે મહોત્સવની ભારે સફળતાને લઇ ચાલુ વર્ષે પણ આગામી ૧૮મી નવેમ્બરથી ૨૩મી ફેબ્રુઆરી એટલે કે ૯૭ દિવસ સુધી ધોરડો ખાતે રણોત્સવ યોજાઇ રહ્યો છે. ત્યારે શ્વેત રણને સપ્તરંગી સજાવટ માટે સ્થાનિક લોકો, જિલ્લા પ્રશાસને તડામાર તૈયારીઓ માટે ભારે દોડધામ આદરી છે. ચાલુ રણોત્સવ દરમ્યાન રાષ્ટ્રીય કોન્ફરન્સમાં વડા પ્રધાન મોદીની ખાસ ઉપસ્થિતિને લઇને હાલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નમકાચ્છાદિત શ્વેત રણ એ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
રણનું ખારું પાણી સુકાઇને નમકના બે-ત્રણ ફૂટના થરમાં ફેરવાય પછી એ સમગ્ર ભૂમિ શ્વેત ચાદરમાં ફેરવાઈ જાય છે અને અનેરો નઝારો ખડો થાય છે. નમકના થર પર અથડાતા સૂર્યના કિરણો પરાવર્તિત થાય તે જોનારની આંખને આંજી દે છે.