ગાંધીનગર: કચ્છ રણોત્સવમાં રાજ્ય સરકારને બે વર્ષમાં રોયલ્ટી અને એન્ટ્રી ફી પેટે ૧૩ કરોડ રૂપિયાની આવક થઇ છે. બીજી તરફ રણોત્સવના માધ્યમથી છેલ્લા બે વર્ષમાં સ્થાનિક રોજગારીમાં કેટલો વધારો થયો તેનું મૂલ્યાંકન કરાયું નહીં હોવાથી આ મુદ્દે અંદાજ ન હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે. રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી કે ૨૦૧૯માં રણોત્સવના માધ્યમથી રોયલ્ટી પેટે સરકારને ૪.૬૨ કરોડ રૂપિયા અને ૨૦૨૦માં ૪.૮૧ કરોડ રૂપિયા એમ કુલ મળીને બે વર્ષમાં ૯.૪૪ કરોડની આવક થઇ હતી. જ્યારે એન્ટ્રી ફી તરીકે ૨૦૧૯માં ૨.૧૦ કરોડ રૂપિયા તો ૨૦૨૦માં ૧.૪૫ કરોડ રૂપિયા આવક થઇ હતી. કોરોનાને કારણે ૨૦૨૦માં એન્ટ્રી ફીની આવકમાં ૬૫ લાખ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.