ભચાઉ: ભચાઉ તાલુકામાં વાદળ જેટલું મોટુ તીડનું એક ઝૂંડ છઠ્ઠી જૂને દેખાયા બાદ વધુ ગામડાઓમાં રણતીડનાં ઝૂંડ સાતમીએ પણ દેખાયાં હતા. રાપર અને ભચાઉ તાલુકાના ૧રથી વધુ ગામોમાં તીડ ત્રાટક્યા હોવાના અહેવાલો હતા. ખેતીવાડી વિભાગે જણાવ્યા અનુસાર આ બંને તાલુકામાં અત્યારે તીડના રપથી ૩૦ જેટલા ઝૂંડ હોવાનું નોંધાયું છે. કચ્છમાં રણતીડના આક્રમણના પગલે તંત્ર પણ સાબદું બની ગયું છે. તેમજ સર્વે અને દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ભચાઉ તાલુકાના કંથકોટ, તોરણીયા, વામકા, રામવાવ, નરા સહિતના ગામોમાં તેમજ રાપર તાલુકાના વણોઈ, ખેંગારપર, સુવઈ, વજેપર, રામવાવ સહિતના વિસ્તારમાં તીડના ટોળાં જોવા મળ્યાં છે. એક તરફ વાવાઝોડાંની અસર બીજી તરફ કોરોનાનો કહેર અને હવે રણતીડના આક્રમણના પગલે ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કચ્છના બંને તાલુકામાં તીડ દેખાયા હોવાનો ગ્રામસેવકો દ્વારા પ્રાથમિક સર્વે કરાયા બાદ તીડ નિયંત્રણ વિભાગ અને ખેતીવાડી તંત્રના અિધકારીઓ દ્વારા સંયુક્ત મુલાકાતો લેવામાં આવી રહી છે.