વિથોણઃ છત્તીસગઢના રાયપુર ખાતે ગત સપ્તાહેે એક કાર વિદ્યુત થાંભલા સાથે અથડાતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના વતની એવા કચ્છ કડવા પાટીદાર સમાજના પાંચ યુવાનોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર યુવક ઘવાયા હતા. આ ઘટનાથી સમગ્ર કડવા પાટીદાર સમાજમાં શોક વ્યાપ્યો છે.
મૃતકોમાં મૂળ નખત્રાણા તાલુકાના રામપર ગામના હર્ષ હરિભાઇ પોકાર (૧૯) અને તેના કાકા ગૌરવ નરેન્દ્રભાઇ પોકાર (૨૦), મૂળ નાના અંગિયા ગામનો રીતિક જયંતીલાલ રૂડાણી (૨૧), મૂળ આણંદસર (વિથોણ)ના કલ્પેશ ભગત (૨૧) અને ધ્રુવ પંકજકુમાર પોકાર (વિરાણી-રામપુર કંપા)નો સમાવેશ થાય છે. જ્યારે ઘાયલ યુવાનોને સારવાર અપાઇ રહી છે. આ ઇજાગ્રસ્તોમાં મોહિત પ્રદીપ છાભૈયા (કોટડા-જડોદર), વિશાલ દેવજી લીંબાણી (નાની અરલ), દિપેશ રવિલાલ પટેલ (આણંદપર) અને કુશલ અરવિંદ લીંબાણી (કોટડા-જડોદર)નો સમાવેશ થાય છે.
કચ્છના ૧૫૦ પેટાઆરોગ્ય કેન્દ્ર મંજૂરઃ કચ્છની આરોગ્યસેવાને વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારે ૧૫૦ પેટાઆરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપી છે. આરોગ્યક્ષેત્રે કચ્છ માટે લેવાયેલા આ મહત્ત્વના નિર્ણયને આવકારતાં જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું કે, જિલ્લાની આરોગ્યસેવામાં ગતિશીલતા આવશે. સરકારની નેમ પ્રમાણે દુર્ગમ વિસ્તારમાં આરોગ્યની સેવા સુદ્રઢ બને અને આવા વિસ્તારમાં સામાન્ય વસતીના ધોરણ કરતાં ઓછી વસતી હોવા છતાં રણ કે પહાડી જેવા અંતરિયાળ વિસ્તારમાં પેટાઆરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની યોજનાના ભાગરૂપે બહુધા રણવિસ્તાર ધરાવતા કચ્છ વિસ્તારમાં પેટાઆરોગ્ય કેન્દ્રો મંજૂર કરાયા તે આવકાર્ય છે.