ભૂજઃ શહેરની નજીક આવેલા માધાપરમાં પાણી યોજનાનો અમલ થઇ રહ્યો છે. અહીં નર્મદાનું પાણી પહોંચાડાશે. કુલ રૂ. ૧૦.૧૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી નર્મદા અને વાસ્મોની યોજનાઓનો લાભ લોકોને મળતો થશે. અઢી દાયકા પૂર્વે વિભાજન બાદ જૂનાવાસની પાણી યોજના શરૂ કરાઇ ત્યારથી સ્થાનિક બોરવેલ દ્વારા આવતા પાણીમાં બે હજારથી ૨૮૦૦ ટીડીએસ હતો. હવે નર્મદાનું પણ ૧૦ લાખ લિટર પાણી ઉમેરી ફિલ્ટરેશન સહિતની પ્રક્રિયા પાર પાડયા બાદ રોજનું ૩૫થી ૪૦ લાખ લિટર શુદ્ધ પાણી વિતરીત થશે. નર્મદાની સ્વતંત્ર પાણી યોજનાનું ફિલ્ટરેશન પ્લાન્ટનું કામ પૂર્ણતાના આરે છે. પાઇપલાઇનનું થોડુંક કામ બાકી છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. રૂ. ૫.૫૦ કરોડની પાણી યોજનાનો નવાવાસ અને જૂનાવાસ બંનેને લાભ મળશે. આ માટે જૂનાવાસમાં ૨૫ લાખ લિટર પાણીના સંગ્રહવાળો સમ્પ બનાવાયો છે.
માંડવીને વધુ વિકસાવવા રૂ. પાંચ કરોડ ખર્ચાશેઃ કચ્છની પ્રાકૃતિક વિરાસતથી વિશ્વભરના પ્રવાસીઓ આકર્ષાયા છે. માંડવીના અવિરત ઘૂઘવતાં દરિયા અને હડપ્પન યુગના અવશેષોથી સમૃદ્ધ એવું ધોળાવીરા પણ આવનારા દિવસોમાં વધુને વધુ સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે તેવું રાજ્ય પ્રધાન તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું. તેમણે માંડવીમાં રમણીય દરિયાકિનારે પ્રવાસન નિગમ દ્વારા આયોજિત બીચ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કરતા માંડવીના વિવિધ વિકાસકીય પ્રકલ્પો માટે વધુ રૂ. પાંચ કરોડની સહાયની જાહેરાત કરી હતી. આ નિમિત્તે અહીં રેતશિલ્પ સ્પર્ધાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું.